સરકારની ગરીબલક્ષી સરદાર આવાસ યોજના હેઠળ ઘર વિહોણા પરિવારોને છત આપવાના ઉમદા આશય પર ભ્રષ્ટાચારના ડાઘ લાગતા ચકચાર મચી છે. આમોદ તાલુકાના ભીમપુરા ગામે આવાસ નિર્માણના નામે લાભાર્થીના નાણાં ઓહિયા કરી જવાની ગંભીર ફરિયાદ ઉઠતા સ્થાનિક રાજકારણ અને તંત્રમાં ગરમાવો આવી ગયો છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન મંજૂર થયેલા આવાસમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ સાથે પીડિત લાભાર્થીએ આખરે ન્યાય માટે પોલીસના દ્વાર ખટખટાવ્યા છે. ઘટનાની વિગત મુજબ, ભીમપુરા ગામના રહીશ રમેશભાઈ બુધાભાઈ રાઠોડને સરકારી યોજના હેઠળ મકાન સહાય મંજૂર કરવામાં આવી હતી. ફરિયાદીના આક્ષેપ અનુસાર, ગામના સરપંચના માર્ગદર્શન હેઠળ તેમના બેંક ખાતામાં આવેલી સહાયની રકમમાંથી બે તબક્કે કુલ રૂ. ૧,૧૦,૦૦૦ ઉપાડીને કોન્ટ્રાક્ટર રાજુભાઈને સોંપવામાં આવ્યા હતા.
જોકે, મકાનનું બાંધકામ પૂર્ણ કરવાને બદલે કોન્ટ્રાક્ટરે અધવચ્ચે જ કામ પડતું મૂકી દીધું હતું. જ્યારે લાભાર્થીએ આ અંગે પૃચ્છા કરી, ત્યારે કોન્ટ્રાક્ટરે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ રકમ સરપંચ દ્વારા અન્ય કામોમાં વાપરી નાખવામાં આવી છે. પોતાના હક્કના મકાન માટે મળેલી રકમ સગેવગે થઈ જતાં અને ઘરનું સ્વપ્ન અધૂરું રહેતા રમેશભાઈએ આખરે હિંમત દાખવી આમોદ પોલીસ મથકમાં ભીમપુરાના સરપંચ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. સરકારી નાણાંનો દુરુપયોગ અને ગરીબ લાભાર્થી સાથે થયેલી આ છેતરપિંડીને પગલે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં આમોદ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે, ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ભ્રષ્ટાચારના મૂળ સુધી પહોંચીને ગરીબ લાભાર્થીને ન્યાય અપાવે છે કે કેમ.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com