Geo Gujarat News

ઝઘડિયા: અવિધા ખાતે જલ અર્પણ દિનની ભવ્ય ઉજવણી, ગ્રામજનોએ લીધા પાણી બચાવવાના શપથ

પાણીના મૂલ્યને સમજવા અને ગ્રામીણ જળ પુરવઠા યોજનાઓની જાળવણી પ્રત્યે લોકજાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે ઝઘડિયા તાલુકાના અવિધા ગામે ‘જલ અર્પણ દિન’ ઉત્સાહભેર મનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને ગ્રામીણ અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં પાણી સંરક્ષણનો સંદેશ ગૂંજ્યો હતો. દિવસની શરૂઆત ખૂબ જ ઉત્સાહજનક રહી હતી, જેમાં શાળાના બાળકો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને પાણી સમિતિના સભ્યોએ ભવ્ય પ્રભાતફેરી યોજી હતી. સૂત્રોચ્ચાર અને બેનરો દ્વારા સમગ્ર ગામમાં પાણી બચાવવા અને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ અવસરે ડેપ્યુટી કલેક્ટર પી.બી. વલવાઈ સહિતના મહાનુભાવોએ જળ સ્ત્રોતોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી, યોજનાના વિવિધ ઘટકોને રક્ષાસૂત્ર બાંધી તેની જાળવણી કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો.કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અવિધા ગામને ‘હર ઘર જલ’ જાહેર કરવાની ક્ષણ રહી હતી, જે અંતર્ગત ગ્રામ પંચાયતને સન્માનપૂર્વક ‘જળ કલશ’ એનાયત કરાયો હતો. આ ઉપરાંત, પાણી વેરાની વસૂલાતમાં પ્રોત્સાહન આપવા માટે અન્ય ગામોને પેમેન્ટ ઓર્ડર અને પ્રમાણપત્રો આપી નવાજવામાં આવ્યા હતા. જળ વ્યવસ્થાપનમાં મહત્વનું યોગદાન આપનાર મહિલા ઓપરેટરો અને સખી મંડળોનું પણ વિશેષ સન્માન કરી નારી શક્તિના કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. અંતમાં, ઉપસ્થિત તમામ ગ્રામજનોએ પાણીના કરકસરભર્યા ઉપયોગ અને જળ સંપત્તિના રક્ષણ માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. જિલ્લા કો-ઓર્ડિનેટર કમલેશ સિંધાના કુશળ સંચાલન હેઠળ યોજાયેલો આ કાર્યક્રમ ગામડાઓમાં પાણી પ્રત્યેની જવાબદારી વધારવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.