Geo Gujarat News

અંકલેશ્વર: ગડખોલ હાઈવે પર બેફામ કારે અન્ય કાર અને ૨ મોપેડને ઉડાવ્યા, ચાર વાહનો વચ્ચે સીરીયલ અકસ્માત!

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી સિદ્ધેશ્વરી સોસાયટી પાસે રફ્તારના કહેરે એકસાથે ચાર વાહનોનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો છે. એક બેફામ ગતિએ દોડતી કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા માર્ગ પર પસાર થઈ રહેલા અન્ય એક ફોર-વ્હીલર અને બે મોપેડ સવારો પર કાળ બનીને ત્રાટકી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડ સવારો હવામાં ફંગોળાયા હતા, જેને જોઈને આસપાસના રહીશોના કાળજા કંપી ઉઠ્યા હતા. આ અકસ્માતની સાંકળમાં એક મોપેડ ચાલક ગંભીર રીતે ઘાયલ થતા રસ્તો રક્તરંજિત બન્યો હતો, જ્યારે અન્ય એક સવારનો આબાદ બચાવ થતા ‘રામ રાખે તેને કોણ ચાખે’ જેવો ઘાટ સર્જાયો હતો. ઘટનાના પગલે સ્થાનિક લોકોની ભીડ ઉમટી પડી હતી અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત સર્જનાર કાર એટલી સ્પીડમાં હતી કે સામેની કાર અને બંને મોપેડના ફુરચા ઉડી ગયા છે. ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર સર્જાયેલા આ સીરીયલ એક્સિડન્ટને કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા અંકલેશ્વર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.હાલમાં પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંથકમાં સતત વધતા જતા માર્ગ અકસ્માતો અને બેફામ ડ્રાઈવિંગ કરનારા તત્વો સામે હવે પોલીસ કડક હાથે કામ લે તેવી માંગ ઉઠી રહી છે. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને થયેલું લાખોનું નુકસાન અકસ્માતની ભયાનકતાની સાક્ષી પૂરી રહ્યું છે.

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.