ભરૂચ રેલવે પોલીસ અને શી ટીમની સમયસૂચકતાના પરિણામે એક પરિવાર વિખેરાતા બચી ગયો છે અને માનવતાના દર્શન કરાવતી એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. મુંબઈના બોરીવલી વિસ્તારથી રહસ્યમય સંજોગોમાં નીકળી ગયેલી ૨૨ વર્ષીય યુવતી અને તેની ૩ વર્ષની માસૂમ બાળકીને ભરૂચ રેલવે પોલીસે સલામત રીતે તેમના પરિવાર સાથે મિલાવીને ખાખીનો માનવીય ચહેરો ઉજાગર કર્યો છે. રેલવે સ્ટેશન જેવા ગીચ વિસ્તારોમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દેસાઈના નેતૃત્વમાં સતર્ક બનેલી ટીમે એક સતર્ક મુસાફરની બાતમીને આધારે આ આખું ઓપરેશન પાર પાડ્યું હતું. ઘટનાની વિગતો મુજબ, ૧૩ માર્ચ ૨૦૨૬ના રોજ બપોરના સમયે આ યુવતી તેની નાનકડી દીકરી સાથે ભરૂચ સ્ટેશન પર અસહાય હાલતમાં મળી આવી હતી. પોલીસની ‘શી ટીમ’ દ્વારા જ્યારે તેને પ્રેમથી વિશ્વાસમાં લેવામાં આવી, ત્યારે જે વિગતો બહાર આવી તે ચોંકાવનારી હતી.
પિયરમાં ભાઈના લગ્નમાં જવાની તાલાવેલીમાં આ યુવતી ઘરે આંગણવાડી જાઉં છુ તેમ કહીને કોઈને પણ કહ્યા વગર મુંબઈથી ટ્રેન પકડીને છેક ભરૂચ આવી પહોંચી હતી. રેલવે પોલીસે તાત્કાલિક ટેકનિકલ મદદથી મુંબઈમાં રહેતા તેના પતિનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર મામલે જાણ કરી તેમને ભરૂચ બોલાવ્યા હતા. જ્યારે યુવતીનો પતિ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યો, ત્યારે પત્ની અને બાળકીને હેમખેમ જોઈને તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ, યુવતીને સમજાવીને તેની સંમતિ સાથે પરિવારનો કબજો પતિને સોંપ્યો હતો. રેલવે પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં સર્જાયેલા આ ભાવુક પુનઃમિલનના દ્રશ્યો જોઈ ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. ભરૂચ રેલવે પોલીસની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીની મુસાફરો અને લોકોમાં વ્યાપક પ્રશંસા થઈ રહી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com