Geo Gujarat News

અમરેલીમાં નકલી દૂધનું નેટવર્ક ઝડપાયું, ખાંભાના ઇંગોરાળામાં ૨ મકાનો પર ફૂડ વિભાગના દરોડા, ૨૨૦ લિટર દૂધનો નાશ.

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ખાંભા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત રીતે ગત મોડી રાત્રે ઇંગોરાળા ગામના બે રહેણાંક મકાનો પર ઓચિંતો દરોડો પાડતા મિલાવટખોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ કાર્યવાહી દરમિયાન અંદાજે ૨૨૦ લિટર શંકાસ્પદ નકલી દૂધનો જથ્થો મળી આવ્યો હતો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન પોલીસને માત્ર દૂધ જ નહીં, પરંતુ તે બનાવવામાં વપરાતી સામગ્રીનો મોટો જથ્થો પણ હાથ લાગ્યો છે. મકાનમાંથી ૨૦૦ કિલોથી વધુ મિલ્ક પાવડર અને શંકાસ્પદ વનસ્પતિ તેલના ડબ્બા મળી આવ્યા હતા.
પ્રાથમિક દ્રષ્ટિએ આ પાવડર અને તેલના મિશ્રણથી દૂધ બનાવીને તેને શુદ્ધ દૂધ તરીકે બજારમાં વેચવાનું મોટું રેકેટ ચાલતું હોવાની આશંકા સેવાઈ રહી છે. ફૂડ વિભાગે ઘટનાસ્થળેથી દૂધના નમૂના લઈ તેને પૃથ્થકરણ માટે એફ.એસ.એલ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તંત્ર દ્વારા હાલમાં તમામ મિલ્ક પાવડર અને વનસ્પતિ તેલનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ આ મામલે જવાબદાર શખ્સો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં આ રીતે ઘરમાં જ ચાલતી નકલી દૂધની ડેરી ઝડપાતા પંથકમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે અને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.