ખાડી દેશોમાં સળગી રહેલી યુદ્ધની જ્વાળાઓની અસર હવે છેક અંકલેશ્વરના રસોડા સુધી પહોંચી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મિડલ ઈસ્ટમાં ઊભી થયેલી તંગદિલીને પગલે રાંધણગેસની અછત સર્જાવાના ડરથી પ્રજામાં ભારે ફફડાટ અને બોટલો મેળવવા માટે પડાપડી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી કાળાબજારિયાઓ સક્રિય ન થાય અને ગેસ વિતરણ કેન્દ્રો પર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન ડહોળાય તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે એક અત્યંત પ્રશંસનીય અને સમયસૂચક પહેલ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ચાવડાના નેતૃત્વમાં મળેલી એક મહત્વની બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે જરૂર પડ્યે ખાખી વર્દીના પહેરા હેઠળ ગેસના બોટલોનું વિતરણ કરવામાં આવશે.
અંકલેશ્વર શહેર પોલીસ મથકે યોજાયેલી આ ખાસ બેઠકમાં વિવિધ ગેસ એજન્સીઓના સંચાલકો અને સરકારી અનાજની દુકાનોના ધારકોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગભરાટમાં આવી ગયેલા ગ્રાહકો અને એજન્સીના સ્ટાફ વચ્ચે થતા ઘર્ષણને અટકાવવાનો છે. પીઆઈ ચાવડાએ એજન્સી સંચાલકોને ખાતરી આપી છે કે જો વિતરણ દરમિયાન ભીડ બેકાબૂ બને અથવા ઓફિસ પર ઘેરાવો જેવી સ્થિતિ સર્જાય, તો પોલીસ તંત્ર તાત્કાલિક સુરક્ષા કવચ પૂરું પાડશે. આ માટે એજન્સીઓને તેમનો વિતરણ પ્લાન અગાઉથી પોલીસને સોંપવા તાકીદ કરવામાં આવી છે, જેથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોડિંગ ગાડીઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી શકાય.
માત્ર ગેસ જ નહીં, પરંતુ જીવનજરૂરી અનાજના વિતરણમાં પણ કોઈ અવરોધ ન આવે તે માટે સસ્તા અનાજની દુકાનના સંચાલકો સાથે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે અછતની સ્થિતિનો ગેરલાભ ઉઠાવી માલ સંગ્રહ કરનારા કે અરાજકતા ફેલાવનારા તત્વોને બક્ષવામાં આવશે નહીં. અંકલેશ્વર પોલીસની આ નવતર પહેલને પગલે એજન્સી સંચાલકોએ પણ હાશકારો અનુભવ્યો છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે સ્થાનિક સ્તરે પ્રજાને પાયાની સુવિધાઓ કોઈપણ અવરોધ વગર અને વાજબી રીતે મળી રહે તે માટે પોલીસ હવે ‘એક્શન મોડ’માં આવી ગઈ છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com