ભરૂચના તુલસીધામ વિસ્તારમાં કપડાની દુકાન ધરાવતા દિલીપકુમાર ઓમપ્રકાશ સુધાર નામના વેપારીએ વ્યાજખોરના અસહ્ય ત્રાસથી કંટાળીને સી-ડિવિઝન પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2022 માં ધંધાકીય જરૂરિયાત માટે તેમણે અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ પાસેથી 5 ટકાના વ્યાજે 3 લાખ ઉછીના લીધા હતા. સુરક્ષાના ભાગરૂપે આરોપીએ અગાઉથી જ ત્રણ કોરા ચેક પડાવી લીધા હતા. જોકે, આ રકમ વેપારી માટે મુસીબતનું કારણ બની ગઈ હતી.
આરોપી અજય શાહ દ્વારા વ્યાજની ઉઘરાણીના નામે માનસિક અને શારીરિક સિતમ ગુજારવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ફરિયાદીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ટુકડે-ટુકડે તેમણે 18 લાખ જેવી માતબર રકમ ચૂકવી દીધી હોવા છતાં, આરોપીની લાલચ ઓછી થઈ ન હતી. આરોપી અવારનવાર વેપારીની દુકાને આવી ગાળાગાળી કરતો અને પરિવાર સામે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી વધુ નાણાં માટે દબાણ કરતો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીએ વેપારીને બળજબરીથી કારમાં બેસાડી અન્ય સ્થળે લઈ જઈ ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે એક કથિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે. વ્યાજખોરના સતત ડર અને ધમકીઓથી ત્રસ્ત વેપારીએ આખરે કાયદાનો આશરો લીધો છે. સી-ડિવિઝન પોલીસે આ લેખિત અરજી સ્વીકારી તપાસનો ધમધમતો કરી છે. જો પ્રાથમિક તપાસમાં તથ્યો સાબિત થશે, તો પોલીસ વ્યાજખોર વિરુદ્ધ કડક ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી શકે છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com