Geo Gujarat News

વાગરા: માનસિક અસ્થિર મહિલાના અપહરણ અને છેડતીનો ગણતરીના દિવસોમાં પર્દાફાશ, બે આરોપીઓ જેલના સળિયા પાછળ

વાગરા તાલુકાના દહેજ પોલીસ સ્ટેશન દ્વારા એક અત્યંત ગંભીર અને માનવતાને શરમાવે તેવા અનડિટેક્ટ ગુનાનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરવામાં આવ્યો છે. એક માનસિક રીતે અસ્થિર મહિલાનું અપહરણ કરી તેની સાથે છેડતી કરનાર બે નરાધમોને પોલીસે બાતમીના આધારે દબોચી લીધા છે. આ ચકચારી ઘટનાની શરૂઆત ગત ૧૧ માર્ચ ૨૦૨૬ના રોજ થઈ હતી. દહેજ ટાઉન વિસ્તારમાં રહેતી એક માનસિક રીતે અસ્થિર મહિલા રાત્રિના સમયે કોઈને કહ્યા વગર પોતાના ઘરેથી નીકળી ગઈ હતી. રાત્રિના અંધકારમાં એકલી જઈ રહેલી આ લાચાર મહિલાને જોઈ બે શખ્સોની દાનત બગડી હતી. તેઓએ મહિલાને સુરક્ષિત ઘરે મૂકી જવાની લાલચ આપી પોતાની બાઇક પર બેસાડી હતી. જોકે, આ શખ્સો મહિલાને ઘરે લઈ જવાના બદલે દહેજ જી.આઈ.ડી.સી. વિસ્તારના નિર્જન રસ્તાઓ તરફ લઈ ગયા હતા. ચાલુ બાઇક પર આ નરાધમોએ મહિલા સાથે શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. અને જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ખેંચતાણ દરમિયાન બાઇક અચાનક સ્લિપ થઈ ગઈ હતી, જેમાં આરોપીઓ સહિત મહિલાને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી. પકડાઈ જવાની બીકે બંને આરોપીઓ ઈજાગ્રસ્ત મહિલાને તે જ હાલતમાં રસ્તા પર છોડીને ફરાર થઈ ગયા હતા.ઘટના બાદ મહિલા પિરામણ કંપનીના ગેટ પાસેથી મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ આપવીતી જાણીને દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસની વિવિધ ટીમો કાર્યરત થઈ હતી. આ દરમિયાન દહેજ પોલીસે સુવા ચોકડી નજીકથી બે શંકાસ્પદ ઇસમોને રાઉન્ડઅપ કર્યા હતા. સઘન પૂછપરછમાં આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં સૌરભસિંહ ક્રિષ્ણ બહાદુર સિંહ અને મુકેશ રાજેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે. દહેજ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીથી સ્થાનિક પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ થયો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.