Geo Gujarat News

ભરૂચમાં ૧૮થી ૨૧ માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી બાદ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પાક સુરક્ષા માટે આગોતરા પગલાં લેવા અનુરોધ

ભરૂચ જિલ્લામાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી ૧૮ થી ૨૧ માર્ચ દરમિયાન જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. માર્ચ મહિનામાં અણધાર્યા વરસાદની આ શક્યતાને ધ્યાનમાં રાખીને, ભરૂચ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પાકના રક્ષણ માટે આગોતરા પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે. ખેતરમાં કાપણી કરેલ પાક જો ખુલ્લો પડ્યો હોય, તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા સૂચના અપાઈ છે, જેથી વરસાદના પાણીથી પાકને નુકસાન ન થાય. આ ઉપરાંત, પાકના ઢગલાની આસપાસ માટીની પાળ બનાવી વરસાદી પાણી ઢગલામાં ન ઘૂસે તેની તકેદારી રાખવી પણ જરૂરી છે.

કમોસમી વરસાદના આ સમયગાળા દરમિયાન ખેડૂતોને જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવા પણ સલાહ આપવામાં આવી છે. ખાતર અને બિયારણનો જથ્થો પલળી ન જાય તે માટે તેને પણ સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચના આપવામાં આવી છે. માત્ર ખેતર જ નહીં, પરંતુ APMC માં પણ વેપારીઓ અને ખેડૂતો માટે આગોતરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. અનાજ અને અન્ય ખેતપેદાશોને ખુલ્લામાં રાખવાના બદલે શેડ નીચે અથવા તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત રાખવા સૂચવ્યું છે. ખેડૂતોને શક્ય હોય તો આ દિવસોમાં વેચાણ માટે પેદાશો બજારમાં લાવવાનું ટાળવા અથવા યોગ્ય સુરક્ષા વ્યવસ્થા સાથે લાવવાની સલાહ આપવામાં આવી છે. હવામાનમાં અચાનક થતા આ ફેરફારથી ખેતપેદાશોને નુકસાન ન પહોંચે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને સતર્ક રહેવા જણાવાયું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.