જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાંથી માનવતાને લજવતી અને કાળજું કંપાવી દે તેવી એક અતિ શરમજનક ઘટના સામે આવી છે, જેણે સમગ્ર સોરઠ પંથકમાં ભારે અરેરાટી અને ખળભળાટ મચાવી દીધો છે. એક પરિણીત મહિલા, જે હાલ પિયરમાં રહે છે, તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર થયેલી મિત્રતાના ઓઠા હેઠળ મળવા બોલાવી, તેનું અપહરણ કરી, છ હરામી શખ્સોએ મધ્યરાત્રિએ સીમમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયદ્રાવક હકીકત પ્રકાશમાં આવી છે. આ ઘૃણાસ્પદ અપરાધ અંગે જૂનાગઢ પોલીસે વીજળીક વેગે કાર્યવાહી હાથ ધરી, તમામ છ નરાધમોને દબોચી લીધા છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર છે.

આ કમકમાટીભરી ઘટનાની વિગતો આપતા ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, પીડિત મહિલા, જેણે તાજેતરમાં જ છૂટાછેડા લીધા છે અને હાલ તેના પિયરમાં વિસાવદર ખાતે રહે છે, તેણે વિસાવદર પોલીસ સ્ટેશનમાં વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, મહિલા થોડા સમય પહેલા ફેસબુકના માધ્યમથી અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોણવેલ ગામના રહેવાસી વિપુલ ગોહિલ નામના શખ્સના સંપર્કમાં આવી હતી. ધીમે-ધીમે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ, ઓળખાણ વધી અને એકબીજાના મોબાઈલ નંબરની પણ આપ-લે થઈ હતી. ગત ૧૨ માર્ચના રોજ, આરોપી વિપુલે મહિલાને મળવા માટે બોલાવી હતી, જેના પર વિશ્વાસ મૂકીને મહિલા રાત્રે અંદાજે ૯ વાગ્યે વિસાવદર બસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં આરોપી વિપુલ ગોહિલ પોતાની બાઈક સાથે પહેલેથી જ હાજર હતો. તેણે મહિલાને બાઈક પર બેસાડી, પરંતુ તેને વિસાવદરમાં કોઈ જગ્યાએ લઈ જવાને બદલે સીધો જ ધારી તરફ જવાના રસ્તે હંકારવા લાગ્યો હતો.

મહિલાને જ્યારે આશંકા ગઈ અને તેણે વિરોધ કર્યો કે, આપણે તો વિસાવદરમાં જ મળવાની વાત થઈ હતી, તો તમે મને શહેરની બહાર કેમ લઈ જાવ છો? ત્યારે આરોપી વિપુલે તેને જાનથી મારી નાખવાની ઘમકી આપી, તેનું બળજબરીથી અપહરણ કરી ધારી તરફના મોણવેલ ગામે એક અવાવરું સીમમાં લઈ ગયો હતો. આ સીમમાં મુખ્ય આરોપી વિપુલ ગોહિલના અન્ય પાંચ મિત્રો પહેલેથી જ ગુનાહિત ઈરાદે હાજર હતા. ત્યાં, આ છ નરાધમોએ મહિલાની લાચારી અને એકલતાનો જઘન્ય લાભ ઉઠાવી, આખી રાત તેના પર વારાફરતી, સામૂહિક રીતે બળાત્કાર ગુજાર્યો હતો. કલાકો સુધી માનસિક અને શારીરિક શોષણ કરી, તેના ગૌરવ અને આત્માને ઠેસ પહોંચાડી હતી. આ પાશવી કૃત્ય આચર્યા બાદ, સવારે મુખ્ય આરોપી વિપુલ ગોહિલ મહિલાને ફરીથી વિસાવદર શહેરના પાદરે ઉતારીને ફરાર થઈ ગયો હતો.

આ ભયાનક અનુભવ બાદ, પીડિત મહિલાએ અપ્રતિમ હિંમત દાખવી અને વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતા અને ભયાવહતાને ધ્યાનમાં લઈને, જૂનાગઢ પોલીસની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી, અત્યંત ટૂંકા સમયમાં આ પાપમાં સંકળાયેલા તમામ છ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓના નામ વિપુલ ગોહિલ (મુખ્ય આરોપી), મનુ ઉર્ફે મુન્નો ટોટા, મણિભાઈ કોટડિયા, પ્રવીણ હરખાણી, દેહુર ભાભલા અને પરસોત્તમ કરકર છે, અને આ તમામ ધારી તાલુકાના મોણવેલ અને તેની આસપાસના વિસ્તારના વતની છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સામૂહિક દુષ્કર્મની કલમો તેમજ અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ કડક ગુનો દાખલ કર્યો છે. તમામ છ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે ગુનાની ગંભીરતા અને વધુ ભૌતિક પુરાવા એકત્રિત કરવા માટે રિમાન્ડની માંગણી કરતા, કોર્ટે તમામ આરોપીઓના ૩ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ પરેડ કરવાની, ગુનામાં વપરાયેલી બાઈક તેમજ અન્ય કડીઓ અને પુરાવા એકત્રિત કરવાની કાનૂની તજવીજ સઘન રીતે હાથ ધરવામાં આવી છે, જેથી આ નરાધમોને કડકમાં કડક સજા મળી શકે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com