Geo Gujarat News

વાગરા પોલીસે ઓછણ ગામની સીમમાં જુગારધામ પર પાડી રેડ, પાંચ ખેલીની ધરપકડ, ૮૫,૭૭૫/- નો મુદ્દામાલ જપ્ત કરાયો..

​વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ઓછણ ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસે લાલ આંખ કરી છે. વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગોહિલ અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે ઓછણ ગામની સીમમાં આવેલી પાણી કેનાલ પાસે લીમડાના ઝાડ નીચે કેટલાક ઈસમો એકત્રિત થઈને હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે દરોડો પાડતા જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે ઇનાયત ઉદેસંગ રાજ રહે,સુદી, મુકેશભાઈ ભાઈલાલ વસાવા રહે. ઓછણ, પરેશભાઈ અંટોળ રાઠોડ રહે. કેરાવાડા, અર્જુનભાઈ રણછોડભાઈ ગોહિલ રહે, સંભેટી અને પ્રણવકુમાર કંચનભાઈ સોલંકીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
​પોલીસની આ કાર્યવાહી માત્ર ધરપકડ સુધી સીમિત ન રહેતા, ઘટનાસ્થળેથી મોટા પાયે મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન પોલીસે જુગારના દાવ પર લાગેલા અને અંગજડતીમાંથી મળી આવેલી કુલ ૧૦,૭૭૫/- ની રોકડ રકમ કબજે કરી હતી. આ ઉપરાંત, આરોપીઓ પાસેથી અંદાજે ૧૫,૦૦૦/- ની કિંમતના ૩ નંગ મોબાઈલ ફોન અને જુગારધામ પર આવવા માટે ઉપયોગમાં લેવાયેલી ૬૦,૦૦૦/- ની કિંમતની ૨ નંગ મોટરસાયકલ પણ જપ્ત કરવામાં આવી છે. આમ વાગરા પોલીસે કુલ ૮૫,૭૭૫/- ની મત્તા સાથે તમામ સાધનો કબજે લીધા છે. આ મામલે વાગરા પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધોળા દિવસે સીમ વિસ્તારમાં ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિ પર પોલીસના સપાટાથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.