ભરૂચ શહેરના ભરૂચ નજીક આવેલ ઉમરવાડાના નૂર નગર વિસ્તારમાંથી એક એવી પ્રેરણાદાયી ઘટના સામે આવી છે, જે સાંભળીને દરેક વ્યક્તિ આશ્ચર્ય અને ગર્વની લાગણી અનુભવે છે.માત્ર ૧૧ વર્ષની નાની ઉંમરે સાહિલ નસરુદ્દીન દિવાને પવિત્ર રમઝાન માસ દરમિયાન એકપણ દિવસ ચૂક્યા વિના તમામ રોજા રાખીને અદમ્ય મનોબળ અને અડગ શ્રદ્ધાનો અનોખો પરિચય આપ્યો છે. આકરી ગરમી હોવા છતાં, સાહિલે પોતાના સંકલ્પમાં કોઈ ખોટ આવવા દીધી નથી.જ્યારે મોટા લોકો માટે પણ રોજા રાખવાનું પડકારજનક બની જાય છે, ત્યારે આ નાનકડા દીકરાએ વહેલી સવારથી સાંજ સુધી અન્ન અને જળનો ત્યાગ કરીને ઈબાદતમાં પોતાને સમર્પિત રાખ્યો હતો. ઈફ્તારના પવિત્ર સમયે તેણે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે દિલથી દુઆઓ પણ માંગી હતી.સાહિલની આ અદ્ભુત સિદ્ધિ જોઈ પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. પરિવાર દ્વારા સાહિલનું ફૂલહાર પહેરાવી અને મીઠાઈ ખવડાવીને હર્ષોઉલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
પરિવારજનોનું કહેવું છે કે, આટલી નાની ઉંમરે આવી શ્રદ્ધા, નિયમિતતા અને સંકલ્પશક્તિ ખરેખર દરેક માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.આજે ઉમરવાડાના નૂર નગર વિસ્તારમાં સાહિલની આ સિદ્ધિ માત્ર તેના પરિવાર પૂરતી સીમિત નથી રહી, પરંતુ સમગ્ર સમાજ માટે ગર્વ અને પ્રેરણાનો વિષય બની છે — એક એવો સંદેશ આપી રહી છે કે સાચી શ્રદ્ધા અને સંકલ્પ માટે ઉંમર ક્યારેય અડચણ બની શકતી નથી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com