Geo Gujarat News

ભરૂચ: સોશિયલ મીડિયા પર ફેલાતી બાળક ચોર ગેંગની અફવાથી વાંસી ગામ ફફડાટમાં, તપાસમાં સત્ય આવ્યું બહાર

 

અફવાઓનું બજાર ગરમ: આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા માહિતીના આદાનપ્રદાન માટે જેટલું આશીર્વાદરૂપ છે, તેટલું જ ક્યારેક નુકસાનકારક પણ સાબિત થાય છે. ભરૂચ જિલ્લાના વાંસી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી બાળક ચોર ગેંગ સક્રિય હોવાની વાતોએ જોર પકડ્યું છે. ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર સંદિગ્ધ વીડિયો સાથે એવા મેસેજ વાયરલ કરવામાં આવ્યા કે ગામમાં લૂંટારુઓની કોઈ ટોળકી બાળકોને નિશાન બનાવી રહી છે. આ ભ્રામક પ્રચારે ગ્રામજનોમાં એવી દહેશત પેદા કરી હતી કે વાલીઓએ પોતાના સંતાનોને ઘરની બહાર કાઢવાનું કે શાળાએ મોકલવાનું પણ ટાળવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે આ અફવાએ હદ વટાવી દીધી, ત્યારે ગામના જાગૃત નાગરિકો અને આગેવાનોએ આ મામલે સત્ય શોધવાનો પ્રયાસ કર્યો હતો. ગામના પ્રતિષ્ઠિત નાગરિક અશરફ મલેક (સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર) એ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગામમાં એક અજાણ્યો અને શંકાસ્પદ વ્યક્તિ દેખાતા ગ્રામજનોમાં પણ અનેક ચર્ચાઓ વહતી થઈ હતી. જોકે ત્યાર બાદ સરપંચ ધ્વારા પોલીસને બોલાવવામાં આવે છે. પોલીસ તપાસમાં આ વ્યકિત ખેડા જિલ્લાનો હોવાનું જાણવા મળે છે. અને પોલીસ ધ્વારા તેના પરિવારનો સંપર્ક કરતાં આ વ્યક્તિ માનસિક રીતે થોડો અસ્થિર હોવાનું પણ જાણવા મળે છે. માટે વાંસી ગામ કે તેની આસપાસના કોઈ પણ વિસ્તારમાં બાળક ચોરીની એક પણ ઘટના નોંધાઈ નથી. સોશિયલ મીડિયા પર જે વીડિયો ફેલાવવામાં આવી રહ્યા છે તે તદ્દન અફવા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગામમાં સંપૂર્ણ શાંતિ છે અને કોઈ પણ પ્રકારની ગુનાહિત ટોળકી અસ્તિત્વમાં નથી.

પોલીસની કડક ચેતવણી અને સાવચેતી: આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પ્રશાસન પણ હરકતમાં આવ્યું છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે અફવા ફેલાવતા તત્વોના હાથમાં ન આવવું. ઘણીવાર આવી અફવાઓને કારણે નિર્દોષ લોકો ભીડની હિંસાનો ભોગ બનતા હોય છે, જે કાયદાની દ્રષ્ટિએ ગંભીર ગુનો છે. પોલીસ વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય અથવા કોઈ અજાણ્યો શખ્સ ગામમાં દેખાય, તો કાયદો હાથમાં લેવાને બદલે અથવા તેની સાથે મારપીટ કરવાને બદલે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. હાલમાં વાંસી ગામમાં સ્થિતિ સામાન્ય છે. અને બાળક ચોર ગેંગની વાતો માત્ર એક ડિજિટલ અફવા સાબિત થઈ છે. જાગૃત નાગરિકોએ અપીલ કરી છે કે કોઈ પણ મેસેજની સત્યતા તપાસ્યા વગર તેને ફોરવર્ડ ન કરવો જોઈએ. સમાજમાં ભયનું વાતાવરણ ઉભું કરવું એ સામાજિક અપરાધ છે. વાલીઓએ ડરવાની જરૂર નથી પરંતુ સતર્ક રહેવું અને અફવાઓથી દૂર રહીને પોતાના દૈનિક કાર્યોમાં ધ્યાન આપવું તે જ અત્યારે અનિવાર્ય છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.