તીવ્ર વળાંક પર સર્જાયો અકસ્માત : વાગરા-આમોદ માર્ગ પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે બપોરના સમયે ખડ ખંડાલી નજીક એક આઈશર ટેમ્પો અને થ્રી-વ્હીલર ટેમ્પો વચ્ચે સામસામે ટક્કર થતાં જોરદાર અકસ્માત સર્જાતા માર્ગ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં થ્રી-વ્હીલર ટેમ્પોના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક 108 મારફતે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના ખડ ખંડાલી ગામ પાસે આવેલા એક તીવ્ર વળાંક નજીક સર્જાઈ હતી. વાગરાથી આમોદ તરફ જઈ રહેલા આઈશર ટેમ્પો અને સામેથી આવી રહેલા થ્રી-વ્હીલર ટેમ્પો વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. વળાંક હોવાને કારણે બંને ચાલકો એકબીજાના વાહનને જોઈ શકે તે પહેલા જ અકસ્માત સર્જાઈ ગયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે થ્રી-વ્હીલર ટેમ્પો પલટી મારી ગયો હતો. એટલુજ નહીં આઈશરના આગળના ભાગે પણ વ્યાપક નુકસાન થયું હતું.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા: અકસ્માત થતા જ આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં થ્રી-વ્હીલર ટેમ્પોના ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકો દ્વારા તુરંત 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત ચાલકને સૌપ્રથમ વાગરાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેની હાલત જોતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત ઈસમ જંબુસરના હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ આઈશર ટેમ્પોના ચાલક અને ક્લીનરને સામાન્ય ઇજાઓ સાથે તેઓનો બચાવ થયો છે.
પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો: ઘટના અંગે આઈશર ટેમ્પોના ચાલકે જણાવ્યું હતું કે, અમે વાગરાથી આમોદ તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા થ્રી-વ્હીલર ટેમ્પોના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હોય તેમ જણાતું હતું. મેં બ્રેક મારીને ટેમ્પો બચાવવાના તમામ પ્રયાસો કર્યા, પરંતુ વળાંક હોવાથી અંતર ઓછું હતું અને ધડાકાભેર અથડામણ થઈ હતી. અકસ્માતને પગલે માર્ગની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત બંને વાહનોને રોડની સાઈડમાં ખસેડીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને થયેલું નુકસાન જોઈ અકસ્માતની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com