Geo Gujarat News

ભરૂચમાં મરાઠી સંસ્કૃતિનો અનોખો સંગમ, ગુડી પડવાના પર્વે ઘેર-ઘેર ગુંજી ઉઠ્યા નૂતન વર્ષના હર્ષનાદ

ચૈત્ર માસના પ્રથમ દિવસે શાલિવાહન શક સંવત મુજબ મહારાષ્ટ્રીયન સમાજના નૂતન વર્ષ ગુડી પડવાની ભરૂચ શહેર અને જિલ્લામાં પરંપરાગત શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મહારાષ્ટ્રીયન પરિવારોમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં પુરુષોએ કુર્તા-પાયજામા અને મહિલાઓએ નવવારી સાડી જેવા પરંપરાગત મરાઠી પરિધાન સજીને ઉત્સવને ચાર ચાંદ લગાવ્યા હતા. વિજય અને સમૃદ્ધિના પ્રતીક સમાન ‘ગુડી’ને ઘરના આંગણે કે અગાશીમાં સ્થાપિત કરી, તેના પર રેશમી વસ્ત્ર, લીમડાના પાન, હાર અને તાંબાનો કલશ મૂકી વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી.આ પર્વ પાછળની પૌરાણિક માન્યતા મુજબ, ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામે આ દિવસે વાલીના અત્યાચારનો અંત લાવી વિજય મેળવ્યો હતો, જેની ખુશીમાં પ્રજાએ ગુડી લહેરાવી હતી. ભરૂચમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજે આ પરંપરાને જીવંત રાખતા નવા વર્ષના પ્રારંભે સૂર્યનારાયણની આરાધના કરી સુખ-શાંતિની પ્રાર્થના કરી હતી. આ અવસરે સ્વાસ્થ્ય પ્રદ ગણાતા કડવા લીમડાના રસનો પ્રસાદ ગ્રહણ કરવાની વર્ષો જૂની પરંપરાનું પણ પાલન કરવામાં આવ્યું હતું. ચૈત્ર નવરાત્રીના પ્રારંભ સાથે જ આ પર્વની ઉજવણી થતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને લોકોએ એકબીજાને સોશિયલ મીડિયા તેમજ રૂબરૂ મળીને ‘નવ વર્ષાચા હાર્દિક શુભેચ્છા’ પાઠવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.