Geo Gujarat News

વાગરા BOB ના મેનેજરની મનમાની હવે પોલીસના દ્વારે, જાગૃત નાગરિકે ઠાલવ્યો આક્રોશ, તહેવાર ટાણે કાયદો-વ્યવસ્થા બગડવાની ભીતિ!

પોલીસ સમક્ષ વાગરા BOB ની પોલ ખુલી, નવી નોટોના નામે ચાલતા ‘સેટિંગ’ સામે લેખિત ફરિયાદ! : બેંક ઓફ બરોડાની વાગરા શાખામાં ચાલતા વ્હાલા-દવલાના ખેલ અને ગ્રાહકો સાથેના ઓરમાયા વર્તને હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. બેંક મેનેજર દ્વારા નવી નોટોના વિતરણમાં કરવામાં આવતા ખુલ્લેઆમ ભેદભાવ વિરુદ્ધ આખરે એક જાગૃત નાગરિકે વાગરા પોલીસને લેખિતમાં કડક ફરિયાદ કરી છે. ફરિયાદમાં સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, બેંક સત્તાધીશો સામાન્ય જનતાની મજાક ઉડાવી રહ્યા છે અને માત્ર પોતાના મળતિયાઓ તેમજ માનીતા વગદારોના ખિસ્સા ભરી રહ્યા છે. લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ, આગામી રમજાન ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે બાળકોને ઈદી આપવા માટે નાના મૂલ્યની 10 અને 20 ની નવી કરકરી નોટોની ભારે માંગ છે. જોકે, જ્યારે સામાન્ય ખાતેદારો બેંકમાં જાય છે ત્યારે મેનેજર દ્વારા નવી નોટો નથી અથવા માત્ર 100 ની નોટો જ ઉપલબ્ધ છે. તેવો રૂખો જવાબ આપી રવાના કરી દેવાય છે. તો બીજી તરફ, બેંકના જ કેટલાક ચોક્કસ મળતિયાઓને પાછલા બારણેથી નવી નોટોના આખેઆખા બંડલો મોટી માત્રામાં પીરસવામાં આવી રહ્યા હોવાની વિશ્વસનીય વિગતો સપાટી પર આવી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, બેંકના આ પક્ષપાતી વલણને કારણે રોષે ભરાયેલી જનતા અને બેંક સ્ટાફ વચ્ચે ગમે ત્યારે મોટી બબાલ થવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી. ફરિયાદમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જો તહેવારના દિવસોમાં આ જ પ્રકારની મનમાની ચાલુ રહી તો બેંક પરિસરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસી શકે છે. જાગૃત નાગરિકે વાગરા પોલીસ ઇન્સ્પેકટરને વિનંતી કરી છે કે, જનતાના હિતમાં આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપી, સત્તાના નશામાં ચૂર બેંક અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે. શું તંત્ર જનતાની પડખે ઉભું રહેશે કે બેંકિંગ માફિયાઓ સામે નતમસ્તક થશે? હવે વહીવટી તંત્રની અગ્નિપરીક્ષા! : વાગરા બેંક ઓફ બરોડામાં ચાલતી આ સરેઆમ લૂંટ અને પક્ષપાતી નીતિ સામે હવે જનતાની નજર પોલીસ અને ઉચ્ચ વહીવટી તંત્ર પર ટકેલી છે. એક જાગૃત નાગરિકે લેખિત ફરિયાદ કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ તો કર્યો છે, પણ સવાલ એ છે કે શું આ બેંકિંગ માફિયા જેવી કાર્યપ્રણાલી ધરાવતા અધિકારીઓ સામે કોઈ નક્કર પગલાં લેવાશે? જો વહીવટી તંત્ર માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને સંતોષ માનશે, તો બેંક સત્તાધીશોની હિંમત વધુ ખુલશે અને સામાન્ય જનતાનો સરકારી વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી જશે. પવિત્ર તહેવારના સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ તંત્રની પ્રાથમિકતા હોવી જોઈએ. હવે જોવાનું એ રહે છે કે વાગરા પોલીસ આ મામલે કેટલી ઝડપથી તપાસના આદેશ આપે છે અને સામાન્ય જનતાને તેમના હકની નવી નોટો અપાવવામાં સફળ રહે છે કે પછી આ ગંભીર ફરિયાદ પણ લાલિયાવાડીમાં દબાઈ જશે!

આ પણ વાંચો : સામાન્ય જનતા સાથે શાબ્દિક ટપાટપી, મોટા માથાઓ પર નવી નોટોનો વરસાદ?

વાગરા BOBમાં વહાલા-દવલાની નીતિ? માનીતાઓને ઠેલા ભરીને નવી નોટો, સામાન્ય જનતા માટે ઉપરથી આવી જ નથી ના ઠાલા બહાના!

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.