Geo Gujarat News

ભરૂચ જિલ્લામાં વાવાઝોડા અને કમોસમી વરસાદથી તૈયાર ઘઉંના પાકને મોટું નુકસાન, 30-50% પાક નુકસાનની ભીતિ, સહાયની ઉઠી માંગ

કાપણી પહેલાં જ આફત! જોરદાર પવનથી ખેતરોમાં ઘઉં જમીન પર ઢળી પડ્યો: ભરૂચ જિલ્લામાં અચાનક બદલાયેલા વાતાવરણના કારણે ખેડૂતો માટે મુશ્કેલીજનક પરિસ્થિતિ સર્જાઈ છે. ચૈત્ર નવરાત્રીના પ્રારંભિક દિવસે સાંજના સમયે આવેલા જોરદાર પવન અને કમોસમી વરસાદે અનેક ગામોમાં ખેતીને અસર કરી હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને કાપણી માટે તૈયાર ઉભેલા ઘઉંના પાક પર આ કુદરતી આફતનો ભારે પ્રહાર થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેતરોમાં ઘઉંનો ઉભો તૈયાર પાક તેજ પવનના ઝાટકામાં જમીન પર ઢળી પડ્યો હોવાનું અનેક વિસ્તારોમાંથી જાણવા મળ્યું છે. વરસાદ સાથે પવનના કારણે પાકના દાંડા નબળા પડી જતા ઉત્પાદન પર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ મહિનાોથી કરેલી મહેનત અને ખર્ચ પછી પાક તૈયાર થયો હતો ત્યારે જ આવી પરિસ્થિતિ સર્જાતા તેઓમાં નિરાશા અને ચિંતા ફેલાઈ છે. કેટલાક વિસ્તારોમાં અંદાજે 30 થી 50 ટકા સુધીનું નુકસાન થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘઉં ઉપરાંત દિવેલા અને મકાઈના પાકને પણ અસર પહોંચી હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જવા અને પાક નમી જવાને કારણે કાપણી તેમજ સંગ્રહ પ્રક્રિયામાં પણ મુશ્કેલીઓ ઊભી થવાની સંભાવના છે.વાવાઝોડા સાથે વરસાદનો માર, ઘઉં, મકાઈ અને દિવેલા પાક અસરગ્રસ્ત: ભરૂચ તાલુકાના તવરા ગામના ખેડૂત જેનતી ભાઈ ગોહિતે જણાવ્યું હતું કે, સાંજે લગભગ 8 થી 9 વાગ્યાના સમયગાળા દરમિયાન અચાનક જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે તેમનો મોટાભાગનો ઘઉંનો પાક નમી ગયો અને નુકસાન વેઠવું પડ્યું. આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી રહી છે. વાતાવરણમાં વારંવાર થતા અચાનક ફેરફારોને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતું હોવાનું તેઓ અનુભવી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનું મૂલ્યાંકન કરી સહાય યોજના અમલમાં મૂકવાની જરૂરિયાત વ્યક્ત થઈ રહી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.