Geo Gujarat News

વાગરા: સડથલા સોલાર પ્લાન્ટમાં કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, લાલો અને જયલો મુદ્દામાલ સાથે ઝડપાયા

વાગરા તાલુકાના સડથલા ગામની સીમમાં આવેલા કે.પી. ગ્રીન એનર્જી સોલાર પ્લાન્ટમાં થયેલી કેબલની ચોરીના મામલે વાગરા પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ઘટનાની વિગત એવી છે કે, ગત તારીખ 23/03/2026 ની રાત્રિ દરમિયાન સડથલા ગામે આવેલા સોલાર પ્લાન્ટમાં તસ્કરોએ ત્રાટકીને અંદાજે 670 મીટર લાંબો કોપર કેબલ વાયર, જેની કિંમત આશરે રૂપિયા 20 હજાર રૂપિયા હતી, તેની ચોરી કરી હતી. ચોરીના સ્થળેથી તસ્કરો ઉતાવળમાં પોતાની હોન્ડા સાઈન મોટરસાયકલ નંબર GJ-16-ED-2492 જે મૂકીને નાસી છૂટ્યા હતા. આ બાઈક અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વાગરા પોલીસે તપાસ તેજ કરી હતી.પોલીસ તપાસ દરમિયાન મળેલી સચોટ બાતમીના આધારે આ ગુનામાં વોન્ટેડ એવા બે શખ્સો જેમાં લાલુભાઇ ઉર્ફે પ્રકાશ વિઠ્ઠલ વસાવા તથા જયેશ ઉર્ફે જયલો રવજી વસાવા બંને રહેવાસી અમલેશ્વર, તા. જી. ભરૂચને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીમાં ગયેલો કોપર કેબલનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્લાન્ટના સંચાલક વિવેક મધુસુદન પંચાલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી. હાલમાં પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે, જેથી આ વિસ્તારમાં થયેલી અન્ય કોઈ નાની-મોટી ચોરીઓના ભેદ પણ ઉકેલાઈ શકે તેવી શક્યતા છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.