Geo Gujarat News

વાગરામાં પ્રાકૃતિક ખેતીનો વાયરો, હિન્દાલ્કો અને પોચાભાઈ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય ઓર્ગેનિક મેળાનું આયોજન

​આજના રાસાયણિક યુગમાં સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અને ઝેરમુક્ત ખેતી તરફ વળવા માટે વાગરા ખાતે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. વાગરા APMC ગ્રાઉન્ડ ખાતે હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના CSR પ્રકલ્પ હેઠળ અને પોચાભાઈ ફાઉન્ડેશનના સહયોગથી એક ભવ્ય ઓર્ગેનિક મેળાનું સફળ આયોજન સંપન્ન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રાકૃતિક ખેતીની હાકલને સાર્થક કરતા આ કાર્યક્રમમાં ખેડૂતો અને ગ્રામીણ મહિલાઓના કૌશલ્યનું અનોખું પ્રદર્શન જોવા મળ્યું હતું.વાગરા તાલુકાના TDO અને હિન્દાલ્કોના ઉચ્ચ અધિકારીઓના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી હિન્દાલ્કો અને પોચાભાઈ ફાઉન્ડેશન દ્વારા વાગરાના ૬ જેટલા ગામોમાં સજીવ ખેતીના પ્રસાર માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને માત્ર ખેતી જ નહીં, પરંતુ સજીવ ખાતર બનાવવાની પદ્ધતિઓ, મૂલ્યવર્ધન અને આધુનિક પદ્ધતિઓનું પણ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે, જેનાથી ખેડૂતોની આર્થિક આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.​આ મેળાનું મુખ્ય આકર્ષણ ગ્રામીણ બહેનો દ્વારા તૈયાર કરાયેલી પ્રોડક્ટ્સ હતી. મેળામાં ઓર્ગેનિક ખેતપેદાશો જેવી કે તુવેર, ઘઉં અને મગની સાથે-સાથે બહેનોએ જાતે બનાવેલા એલોવેરા સાબુ, શેમ્પૂ, ચા મસાલો અને વિવિધ અથાણાંઓનું ધૂમ વેચાણ થયું હતું. આ ઉપરાંત, પરંપરાગત હસ્તકલા અને ભરતગૂંથણના નમૂનાઓએ પણ મુલાકાતીઓના મન મોહી લીધા હતા. આ કાર્યક્રમમાં DRDA, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (તણછા), સામાજિક વન વિભાગ અને અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઈઝર જેવી સંસ્થાઓએ પણ જોડાઈને ખેડૂતોને સરકારી યોજનાઓ અને આધુનિક તકનીકોથી વાકેફ કર્યા હતા. મોટી સંખ્યામાં હાજર રહેલા ખેડૂતો અને ગ્રામજનોએ આ મેળાને પ્રાકૃતિક કૃષિ ક્રાંતિની દિશામાં એક મહત્વનું સોપાન ગણાવ્યું હતું.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.