Geo Gujarat News

વાગરા: સાયખા GIDCમાં પશુપાલકો માટે ગૂઢ જાહેરનામું, પશુ ચરાવવા પર પ્રતિબંધ, પણ આદેશ કોનો?

સાયખામાં સહી-સિક્કા વગરના હોર્ડિંગ્સથી પશુપાલકોમાં ભારે રોષ: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા સાયખા GIDC વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી લાગેલા રહસ્યમય હોર્ડિંગ્સે સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનોમાં ભારે ઉત્તેજના અને મડાગાંઠ ઉભી કરી છે. સાયખા GIDC વિસ્તાર અને તેની આસપાસના પશુપાલકોને સંબોધીને લગાવવામાં આવેલા આ મોટા હોર્ડિંગ્સમાં પશુ ચરાવવા તેમજ પશુપાલન સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર કડક શબ્દોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ હોર્ડિંગ્સ ખાસ કરીને સાયખા GIDC માં આવેલ APL કંપનીના ગેટ બહાર, ભેરસમ ચોકડી તેમજ અન્ય મુખ્ય માર્ગો પર લગાડવામાં આવ્યા છે, જે આવતા-જતા લોકોમાં કુતૂહલ અને ચર્ચાનો વિષય બન્યા છે.જવાબદારીમાંથી છટકવાનો પેંતરો?: હોર્ડિંગ્સમાં જણાવવામાં આવ્યું છે કે સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં કેમિકલ અને હેવી એન્જિનિયરિંગ જેવા જોખમી ઉદ્યોગો કાર્યરત હોવાથી પશુઓ માટે આ વિસ્તાર સુરક્ષિત નથી. જો પશુપાલકો આ સૂચનાનું ઉલ્લંઘન કરી પશુ ચરાવશે અને તે દરમિયાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના કે અનિચ્છનીય બનાવ બનશે, તો તેની સંપૂર્ણ જવાબદારી પશુપાલકની રહેશે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ લખાણમાં સ્પષ્ટપણે ચીમકી આપવામાં આવી છે કે આવી કોઈ પણ ઘટનામાં GIDC નિગમ, ઉદ્યોગ એકમો કે તેના કોઈ પણ અધિકારીની કોઈ જ વ્યક્તિગત કે કાયદેસરની જવાબદારી રહેશે નહીં.ઉદ્યોગપતિઓને રક્ષણ કે પશુપાલકોને અન્યાય? સાયખા GIDCમાં લાગેલા અનામી બોર્ડથી તણાવ.: જોકે, આ આખા મામલે સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે આટલું કડક લખાણ અને ગંભીર સૂચનાઓ હોવા છતાં, આ જાહેરનામું બહાર પાડનાર સત્તાધિકારી કે સંસ્થાનું નામ હોર્ડિંગ પર ક્યાંય પણ ઉલ્લેખિત નથી. સામાન્ય રીતે કોઈ પણ સરકારી કે અર્ધ-સરકારી જાહેરનામામાં જે-તે વિભાગ કે અધિકારીની મહોર અથવા નામ હોય છે, પરંતુ અહીં તેની ગેરહાજરી અનેક સવાલો ઉભા કરી રહી છે. શું આ હોર્ડિંગ્સ GIDC તંત્ર દ્વારા લગાવવામાં આવ્યા છે કે પછી કોઈ ખાનગી કંપનીએ પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આ રસ્તો અપનાવ્યો છે? તે અત્યારે સ્થાનિકોમાં એક મોટો યક્ષપ્રશ્ન છે. સ્થાનિક પશુપાલકોમાં આ બાબતે રોષ અને મુંઝવણ જોવા મળી રહી છે, કારણ કે વર્ષોથી આ પંથકમાં પશુઓ ખુલ્લેઆમ ચરતા જોવા મળે છે. ત્યારે અચાનક અનામી રીતે લાગેલા આ પ્રતિબંધાત્મક બોર્ડ કોના ઈશારે અને કયા કાયદા હેઠળ લગાવવામાં આવ્યા છે, તેની તપાસ થવી જરૂરી બની છે. હાલ તો આ વિસ્તારમાં આ બિનવારસી જાહેરનામાને લીધે પશુપાલકો અને ઉદ્યોગો વચ્ચેના સંબંધોમાં તણાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે.હેણાંક અને ખેતીની જમીન વચ્ચે GIDCનું ગૂઢ જાહેરનામું, તંત્રની બેધારી નીતિ પર ઉઠતા સવાલો: સાયખા GIDC વિસ્તારમાં લાગેલા આ હોર્ડિંગ્સ માત્ર સૂચના નથી, પરંતુ તંત્રની અસ્પષ્ટ નીતિઓનો પુરાવો પણ છે. સૌથી ગંભીર અને ઉલ્લેખનીય બાબત એ છે કે, આ ઔદ્યોગિક વસાહતની સીમાઓ રહેણાંક વિસ્તારોને બિલકુલ અડીને આવેલી છે, જ્યાં દાયકાઓથી પશુપાલન એ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે. આટલું જ નહીં, ખુદ GIDCની હદમાં જ કેટલીક જગ્યાએ હજુ પણ ખેતીવાડી થઈ રહી છે, ત્યારે પશુ ચરાવવા પર પ્રતિબંધનું આ બોર્ડ વાસ્તવમાં શું કહેવા માંગે છે તે સ્થાનિકો માટે એક વણઉકેલ્યો કોયડો બની ગયો છે. જો આ વિસ્તાર પશુઓ માટે જોખમી હોય, તો ત્યાં અડીને આવેલા રહેણાંક વિસ્તારોમાં વસતા માનવ સમુદાય અને ખેતરોમાં ઉભા પાક પર થતી અસરો માટે જવાબદાર કોણ? રહેણાંક અને ખેતીની જમીન વચ્ચે આવા કડક શબ્દોમાં લાદવામાં આવેલો પ્રતિબંધ શું ઉદ્યોગપતિઓને રક્ષણ આપવા માટે છે કે પછી સ્થાનિકોને તેમની જ જમીન પર પરાયા કરવા માટેનો પેંતરો? કોઈપણ સત્તાવાર સહી-સિક્કા વગરનું આ બોર્ડ તંત્રની જવાબદારીમાંથી છટકવાની વૃત્તિ અને સ્થાનિક ભૌગોલિક સ્થિતિ પ્રત્યેની તેમની અજ્ઞાનતાને છતી કરે છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!