ટીકિટ ન મળતા અપમાન અનુભવતા ભાજપને કહ્યું ગુડબાય! આગામી ચૂંટણીઓના માહોલ વચ્ચે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાંથી રાજકીય સમીકરણો બદલાતા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. વાગરામાં ભાજપના પાયાના કાર્યકર અને ભાજપને ઉભી કરવામાં મહત્વનું યોગદાન આપનાર અરૂણાબેન અશોકભાઈ પટેલે કેસરી ખેસનો ત્યાગ કરીને આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે આયોજિત એક કાર્યક્રમમાં અરૂણાબેન પટેલે વિધિવત રીતે AAPમાં પ્રવેશ કર્યો હતો. પક્ષમાં જોડાયા બાદ તેમણે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. અરૂણાબેને જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 1985થી ભાજપ સાથે જોડાયેલા હતા. અને વાગરા તાલુકામાં ભાજપને મજબૂત કરવામાં તેમનો મોટો ફાળો રહ્યો છે. જોકે, વર્તમાન સામાન્ય સ્ત્રીની સીટ હોવા છતાં ભાજપ દ્વારા તેમને ટીકિટ આપવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી, જે તેમના માટે એક મોટું અપમાન સમાન હતું. પોતાની વર્ષોની વફાદારીની પાર્ટી દ્વારા કદર ન થતા તેમણે અંતે પક્ષ છોડવાનો નિર્ણય કર્યો હતો.
વાગરા-2 બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત: પક્ષ પલટા બાદ અરૂણાબેન હવે વાગરા-2 બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જે રીતે તેમણે ભૂતકાળમાં ભાજપને ઉભી કરવા માટે મહેનત કરી હતી, તે જ રીતે હવે તેઓ આમ આદમી પાર્ટીને વાગરા તાલુકામાં મજબૂત કરવા માટે પૂરી તાકાત લગાવી દેશે. આ પ્રસંગે AAP ના આગેવાનોએ તેમનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને આ પક્ષપલટાને ભાજપ માટે એક મોટો ફટકો ગણાવ્યો હતો. આ ઘટનાક્રમે વાગરાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે, ત્યારે હવે આગામી સમયમાં આ ફેરબદલનું પરિણામ ચૂંટણીમાં કેવું આવશે તે જોવું રહ્યું.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com