મુલેર ચોકડી પર ડમ્પરનો આતંક, સર્વત્ર અફરાતફરી! વાગરા તાલુકાની સૌથી વ્યસ્ત ગણાતી મુલેર ચોકડી ખાતે સર્જાયેલ અકસ્માતને પગલે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. દહેજ ઉદ્યોગ નગરીથી આમોદ તરફ જઈ રહેલા એક ડમ્પરે અચાનક કાબૂ ગુમાવતા ભરચક ટ્રાફિક વચ્ચે મોતનું તાંડવ મચાવ્યું હતું. ટેન્કર, કાર અને બાઈક સહિત રસ્તા કિનારે આવેલી દુકાનોને અડફેટે લેતા અકસ્માત સ્થળે કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, દહેજ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરની બ્રેક અચાનક ફેઈલ થઈ ગઈ હતી. ચાલકે ડમ્પર પરથી કાબૂ ગુમાવતા, ઢસડાતું ડમ્પર સીધું જ મુલેર ચોકડી પર ઉભેલા વાહનોમાં ઘૂસી ગયું હતું. ડમ્પરે સૌ પ્રથમ એક ટેન્કર અને ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ એક મોટરસાયકલને અડફેટે લેતા બાઈકનો લોખંડી કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ડમ્પરની ગતિ એટલી પ્રચંડ હતી કે તેણે રસ્તાની બાજુમાં આવેલી એક કેબિનને પણ અડફેટમાં લઈ લીધી હતી.
ડમ્પર ડ્રાઈવરની બેદરકારી કે યાંત્રિક ખામી? અકસ્માતના ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના દુકાનદારો અને રાહદારીઓ જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા. ચોકડી જેવા ધમધમતા વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનતા લોકોમાં ભારે ભય અને ફફડાટ વ્યાપી ગયો હતો. અકસ્માત બાદ તરત જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે, આ ભયાનક અથડામણમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તબક્કે ડમ્પરની બ્રેક ફેઈલ થઈ હોવાનું બહાર આવ્યું છે, પરંતુ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દહેજ-વાગરા હાઈવે પર દોડતા ભારે વાહનોની અનિયંત્રિત ગતિ અને યોગ્ય જાળવણીના અભાવે અવારનવાર નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે. આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ક્ષતિગ્રસ્ત વાહનોને માર્ગ પરથી હટાવી ટ્રાફિક સુવ્યવસ્થિત કરવાની કામગીરી હાથ ધરી હતી. હાલ વાગરા પંથકમાં આ અકસ્માત ચર્ચાનો વિષય બન્યો છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com