ભરૂચમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં જે અધ્યાપકો અને શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે, તેમાંથી અનેક લોકો ખુલ્લેઆમ વિવિધ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા હોવાની વિગતો સામે આવતા ભારે રોષ અને આશ્ચર્યની લાગણી ફેલાઈ છે. એક તરફ તટસ્થ અને નિષ્પક્ષ મતદાન માટે વહીવટી તંત્ર આદર્શ આચારસંહિતાના મોટા-મોટા દાવા કરે છે, તો બીજી તરફ પક્ષપાતી માનસિકતા ધરાવતા અથવા રાજકીય છત્રછાયા હેઠળ કામ કરતા શિક્ષણવિદોને જ ચૂંટણી કામગીરીમાં મહોરા તરીકે બેસાડવા એ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોની મજાક સમાન છે. ચૂંટણી જેવી સંવેદનશીલ પ્રક્રિયામાં હીતનો ટકરાવ સ્પષ્ટ હોવા છતાં વહીવટી તંત્રની આ ભૂલ આકસ્મિક છે કે પછી કોઈ સુનિયોજિત રમત? તેવો પ્રશ્ન સામાન્ય મતદારોના મનમાં ઘર કરી ગયો છે. જે વ્યક્તિ પોતે કોઈ ચોક્કસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલી હોય, તે વ્યક્તિ મતદાન મથકે બેસીને કેવી રીતે તટસ્થ રહી શકે?
આ પરિસ્થિતિ માત્ર પારદર્શિતા સામે જ પ્રશ્નાર્થ નથી ઉભો કરતી, પરંતુ ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર પણ શંકાના વાદળો ઘેરી વળ્યા છે. રાજકીય રંગે રંગાયેલા શિક્ષકો ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરી શકે છે તેવી દહેશતથી લોકોમાં ભારે અસંતોષ છે. સમય પાકી ગયો છે કે ચૂંટણી પંચ પોતાની આ નિષ્ફળતાને સુધારે અને ત્વરિત પગલાં ભરે. જો ચૂંટણી જેવી ગંભીર પ્રક્રિયામાં સૈદ્ધાંતિક રીતે સમાધાન કરવામાં આવશે, તો લોકશાહીનો વિશ્વાસ ડગી જશે. ભરૂચના નાગરિકો માટે હવે આ માત્ર એક વહીવટી ક્ષતિ નથી, પણ તેમના મતાધિકાર અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયાના અધિકાર પરનું સીધું આક્રમણ છે. શું ચૂંટણી પંચ આ રાજકીય ઘૂસણખોરીને રોકીને ફરીથી જનતાનો વિશ્વાસ જીતવા માટે આ ઓર્ડરો રદ કરવાની હિંમત દાખવશે, કે પછી આ પ્રશ્ન માત્ર કાગળ પરની ચર્ચા બનીને રહી જશે? તેવા ચિંતાજનક સવાલો જન્મ લઈ રહ્યા છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com