આમોદ-કરજણ રોડ પર ફરી એકવાર રકત રંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે જઈ રહેલી એક મોટરસાયકલ માર્ગ પર આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એક આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
મળતી વિગતો અનુસાર, જંબુસર તાલુકાના માલપુર ગામના વતની રાવલ રમેશભાઈ રઇજીભાઈ પોતાના સાથીદાર સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન આમોદ-કરજણ રોડ પર કોઈ કારણોસર ચાલકે બાઈક પરનો કાબૂ ગુમાવતા બાઈક સીધી રોડ સાઈડના ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે રમેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકોની ભીડ ઉમટી પડી હતી અને તાત્કાલિક આમોદ પોલીસ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે દોડી આવેલી ૧૦૮ની ટીમે અન્ય એક ઈજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આમોદ પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. માલપુર ગામના યુવાનના મોતના સમાચાર વહેતા થતા સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023