વિજપોલ સાથે અથડાતા ઇકો કારનું પડીકું વળી ગયું, ૧૦૮ની ટીમે ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યા: વાગરા તાલુકાના કેશવાન ગામ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક ઇકો કાર અચાનક ચાલકે કાબૂ ગુમાવતા માર્ગની સાઈડમાં આવેલા હાઈટેન્શન વિજપોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ઇકો કારનો આગળનો ભાગ સાવ પડીકું વળી ગયો હતો. અને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે મોટી રાહતની વાત છે. જોકે, કારમાં સવાર એક વ્યક્તિને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ઘટનાની જાણ થતા જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com