Geo Gujarat News

આમોદમાં રાજકીય શતરંજ ઉથલપાથલ, ભાજપ-કોંગ્રેસની નૂરા કુસ્તીના અંતના સંકેત, આપની એન્ટ્રીથી દિગ્ગજોના પાયા હલ્યા!

સંબંધોની રાજનીતિ કે જનતા સાથે દગો?: આમોદ નગરપાલિકાની આગામી ચૂંટણી હવે માત્ર સત્તાનો જંગ નથી રહી, પરંતુ વર્ષોથી ચાલી આવતી રાજકીય મોનોપોલી વિરુદ્ધનો લોકજવાબ બની ગઈ છે. અત્યાર સુધી આમોદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે તારી સત્તા ને મારી સત્તાની સમજૂતીભરી રાજનીતિ ચાલતી હોવાના ચર્ચાઓ વચ્ચે આમ આદમી પાર્ટીએ વિધિવત એન્ટ્રી કરીને પરંપરાગત રાજકીય પક્ષોના ગણિત બગાડી નાખ્યા છે. મામલતદાર કચેરીએ ઉમટેલી સમર્થકોની ભીડ સાક્ષી પૂરે છે કે આ વખતે આમોદમાં જનતા પક્ષ નહીં પણ વિકલ્પ શોધી રહી છે. ચૂંટણીના મેદાનમાં ઉતરેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રિયાઝભાઈ રાણાએ સ્થાપિત હિતો પર સીધા પ્રહાર કરતા જે કડવું સત્ય ઉચ્ચાર્યું છે તે આખા નગરમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો કે, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સત્તામાં હોય ત્યારે એકબીજાના મામા-ફોઈ કે માસીના દીકરા બનીને રહે છે. અને પડદા પાછળની આ સાંઠગાંઠમાં આમોદનો સામાન્ય નાગરિક પાયમાલ થઈ રહ્યો છે. આ આકરા શબ્દોએ વર્ષોથી રાજકીય વગ ધરાવતા નેતાઓને વિચારતા કરી દીધા છે.
ત્રિપાંખિયા જંગમાં કોણ ધોવાશે?:  આમોદ નગર પાલિકાના વોર્ડ નં. 1 માંથી યાસીનભાઈ દિવાન અને આસિફભાઈ રાજે, વોર્ડ નં. 5 માંથી રિયાઝભાઈ રાણા અને વોર્ડ નં. 6 માંથી યુસુફભાઈએ ઝંપલાવતા હવે જંગ ત્રિપાંખિયો બન્યો છે. સાથેજ વિરોધી છાવણીમાં ભારે દોડધામ મચાવી છે. અત્યાર સુધી સુરક્ષિત મનાતા ગઢમાં હવે આપ ગાબડું પાડી રહી છે. વોટ બેંકમાં થનારું વિભાજન કોને ડૂબાડશે અને કોને તારશે, તે ફડફડાટ બંને જૂના પક્ષોમાં સ્પષ્ટ દેખાય છે. રસ્તા પરના ખાડા, ગટરના ઉભરાતા પાણી અને નળમાં આવતા અનિયમિત પાણી જેવા પ્રશ્નો હવે રાજકીય હથિયાર બન્યા છે. નામાંકન કર્યા બાદ યાસીનભાઈ દિવાને દાવો કર્યો છે કે લોકો હવે પરિવર્તનના મૂડમાં છે. વર્ષોથી માત્ર વાયદાઓ સાંભળીને કંટાળેલી જનતા માટે આમ આદમી પાર્ટી એક શુદ્ધિકરણની પ્રક્રિયા તરીકે ઉભરી રહી છે. આમોદના ચોરે અને ચૌટે હવે એ જ ચર્ચા છે કે, જેઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાતા હતા, તેમને હવે ઘરભેગા કરવાનો સમય પાકી ગયો છે. આમોદની જનતાએ અત્યાર સુધી જે પક્ષોને આંખ મીંચીને ટેકો આપ્યો, બદલામાં તેમને માત્ર પછાતપણું મળ્યું છે. આપના ઉમેદવારોએ આ ચૂંટણીને વિકાસ વિરુદ્ધ વંશવાદ અને કામ વિરુદ્ધ કાવાદાવાની લડાઈ બનાવી દીધી છે.
ભાજપ-કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા વિજયના પ્રબળ આશાવાદ સાથે નામાંકન પત્ર દાખલ: ​આમોદ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ પરિવર્તનના દાવેદાર તરીકે શક્તિ પ્રદર્શન સાથે મેદાનમાં ઝંપલાવ્યું છે. આપના ઉમેદવારો અને કાર્યકરોમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને વિજયનો પ્રબળ આશાવાદ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસની પરંપરાગત રાજનીતિથી કંટાળેલી જનતા આ વખતે ઝાડુ પર પસંદગી ઉતારશે તેવા દાવા સાથે આપના નેતાઓએ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. શહેરમાં ચાલતી ચર્ચાઓ મુજબ, આમ આદમી પાર્ટીની આક્રમક એન્ટ્રીએ જૂના જોગીઓના સમીકરણો બગાડી નાખ્યા છે અને હવે જંગ ખરાખરીનો ત્રિપાંખિયો બની ગયો છે. હાલ તો આપ છાતી ઠોકીને જીતનો દાવો કરી રહી છે, પરંતુ જનતા જનાર્દન કોના શિરે તાજ પહેરાવશે તે તો આવનારો સમય જ કહેશે.આમોદ કોંગ્રેસમાં અંદરોઅંદરની આગ, જે ડૂબાડનાર હતા, તેમના હાથમાં જ કમાન! કોંગ્રેસ પાર્ટી ફરી ઘર ભેગી થવાના આરે?:  ​આમોદ પંથકમાં અત્યારે સૌથી ગરમ ચર્ચા કોંગ્રેસની ખખડધજ હાલત અને તેના આંતરિક વિખવાદની છે. નગરના ખૂણે-ખૂણે એ જ વાત ચર્ચાઈ રહી છે કે કોંગ્રેસ હવે કોઈ સામે લડવા લાયક રહી નથી, કારણ કે તે પોતે જ પોતાના નેતાઓના અહમ અને લડાઈમાં કમજોર પડી ગઈ છે. ઇતિહાસ ગવાહ છે કે ગત ટર્મમાં પણ મેન્ડેટની વહેંચણીમાં થયેલી જૂથબંધીને કારણે કોંગ્રેસે સત્તા ગુમાવવી પડી હતી. આટલી મોટી હાર પછી પણ કોઈ બોધપાઠ લેવાના બદલે, પાર્ટી હાઈકમાન્ડે સૌથી મોટો અને આઘાતજનક નિર્ણય લીધો છે. જે દિગ્ગજોએ પોતાની નારાજગી અને સ્વાર્થ માટે કોંગ્રેસને ઘર ભેગી કરી હતી, જેમના કારણે પાર્ટી સત્તામાંથી બહાર થઈ હતી, આજે એજ જવાબદારોના હાથમાં આખા સંગઠનની કમાન સોંપવામાં આવી છે! કોંગ્રેસના આ આત્મઘાતી પગલાંથી પંથકના બુદ્ધિજીવી લોકો અને જાગૃત મતદારો પણ અવાક છે. લોકોમાં સ્પષ્ટ ચર્ચાઓ ચાલી રહી છે કે જો ગત વખત ડૂબાડનાર સુકાનીઓ જ ફરી વહાણ ચલાવશે, તો આ વખતે પણ અંદરોઅંદરની આ લડાઈ પાર્ટીને મોટું, કદાચ છેલ્લું નુકસાન પહોંચાડશે. આમોદમાં હવે કોંગ્રેસ એક હારના ભયથી ધ્રૂજતું સંગઠન બની ગયું છે, જે પોતાના જ કૂવાના બાવળથી ડરી રહ્યું છે. આમોદ નગરપાલિકાની આ ચૂંટણી હવે માત્ર સત્તા મેળવવાનો જંગ નથી, પણ ભ્રષ્ટાચાર અને રાજકીય ગોઠવણો સામે જનતાના આક્રોશની કસોટી છે. 2026ની આ લડાઈ આમોદના ભવિષ્યનો નવો નકશો તૈયાર કરશે તે નક્કી છે. હવે જોવાનું એ રહેશે કે આમોદની સમજદાર જનતા વર્ષોની આ સાંઠગાંઠ તોડવામાં સફળ રહે છે કે કેમ.

પરંપરાગત સત્તાના પાયા હચમચ્યા, હવે જંગ સાંઠગાંઠ વિરુદ્ધ પરિવર્તનનો! ​આમોદ નગરપાલિકાની આ ચૂંટણી હવે માત્ર આંકડાઓની રમત નથી રહી, પરંતુ એક મોટા રાજકીય પરિવર્તનની પૂર્વસંધ્યા સાબિત થઈ રહી છે. એકતરફ સત્તાધારી પક્ષનો અજેય હોવાનો દાવો છે, તો બીજી તરફ કોંગ્રેસ પોતાના જ આંતરિક વિખવાદ અને ઘરના જ ઘાતકી નેતાઓના કારણે અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ કરી રહી છે. આ બે દિગ્ગજોની લડાઈમાં આમ આદમી પાર્ટી એ ત્રીજા વિકલ્પ તરીકે જે રીતે જનતાના મૂળભૂત પ્રશ્નોને વાચા આપી છે, તેણે વર્ષોથી ચાલતી આવતી ભાજપ-કોંગ્રેસની છૂપી સાંઠગાંઠના મહોરાં ઉતારી દીધા છે. આમોદની જનતા હવે સ્થાપિત હિતોની મામા-ફોઈ વાળી રાજનીતિથી કંટાળી છે અને વિકાસના ઠાલા વાયદાઓનો હિસાબ માંગવા સજ્જ થઈ છે. ​નિષ્કર્ષ એ છે કે, જો કોંગ્રેસ પોતાની જૂથબંધીમાં જ અટવાયેલી રહેશે અને ભાજપ માત્ર સત્તાના જોરે મેદાને પડશે, તો જાગૃત મતદારો આ વખતે ઝાડુ ફેરવીને વર્ષો જૂના રાજકીય કિલ્લાઓ ધરાશાયી કરે તો નવાઈ નહીં. આ ચૂંટણીનું પરિણામ માત્ર સત્તાનો તાજ કોના શિરે જશે તે નક્કી નહીં કરે, પણ આમોદના રાજકારણનું એક નવું પ્રકરણ લખશે જેમાં જનતાનો અવાજ સર્વોપરી હશે.

હવે દડો જનતાના દરબારમાં, કોણ ફાવશે અને કોણ લુપ્ત થશે તે જોવું રસપ્રદ રહેશે!: ​આમોદની રાજકીય રણભૂમિ પર હવે શતરંજની બિછાત પૂરેપૂરી બિછાઈ ગઈ છે. ભાજપનો સત્તા ટકાવી રાખવાનો આત્મવિશ્વાસ, કોંગ્રેસનું અસ્તિત્વ બચાવવા માટેનું આંતરિક યુદ્ધ અને આમ આદમી પાર્ટીનો પરિવર્તનનો હુંકાર, આ ત્રિવેણી સંગમે આમોદની ચૂંટણીને સમગ્ર જિલ્લામાં સૌથી રોમાંચક બનાવી દીધી છે. અત્યાર સુધી પડદા પાછળ ખેલાતી ગોઠવણો હવે જનતાની નજરમાં આવી ગઈ છે, ત્યારે મતદારો મૌન રહીને કયો મોટો ધડાકો કરશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. શું સત્તાના ગઢ અકબંધ રહેશે, કે પછી આમોદનો ઇતિહાસ આ વખતે કરવટ બદલશે? ગલીએ-ગલીએ ચર્ચાતી આ થ્રિલર જેવી ચૂંટણીમાં કોનું રાજકીય ભવિષ્ય ચમકશે અને કોના સુપડા સાફ થશે, તે જોવું ખરેખર રસપ્રદ બની રહેશે. આમોદની જનતાનો એક વોટ હવે માત્ર ઉમેદવારનું ભાગ્ય નહીં, પણ નગરની દશા અને દિશા નક્કી કરવાનો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.