Geo Gujarat News

વાગરા: ત્રણ પેઢીનો ત્રિવેણી સંગમ, જુંજેરા વિદ્યાલય-વાગરા ખાતે દાદા-દાદી સ્નેહમિલન અને ઇનામ વિતરણ સમારોહ સંપન્ન થયો..

દાદા-દાદી એ બાળકોના સાચા સુપરહીરો: જ્યારે શિક્ષણની સાથે સંસ્કાર અને પરિવારની હૂંફ ભળે છે, ત્યારે જ સાચા અર્થમાં આદર્શ સમાજનું નિર્માણ થાય છે. આ વાતને સાર્થક કરતા શ્રી ગણેશ સેવા સમાજ સંઘ સંચાલિત જુંજેરા વિદ્યાલય-વાગરા ખાતે તાજેતરમાં એક અનોખો અને હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાયો હતો. આધુનિક યુગમાં જ્યાં કુટુંબો વિખેરાઈ રહ્યા છે, ત્યારે શાળા દ્વારા આયોજિત દાદા-દાદી/વાલી અને વિદ્યાર્થી સંમેલન એ ત્રણ પેઢીઓને એક જ મંચ પર લાવીને પારિવારિક એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શનિવારના રોજ શાળા પરિસરમાં આયોજિત આ સ્નેહમિલનમાં દાદા-દાદીઓની ઉપસ્થિતિએ વાતાવરણને ભાવુક અને ઉર્જાસભર બનાવી દીધું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના જીવનમાં દાદા-દાદીનું મહત્વ સમજાવવાનો અને નવી પેઢીને તેમના આશીર્વાદ તેમજ અનુભવોનો લાભ અપાવવાનો હતો. શાળા પરિવારનો આ પ્રેરણાદાયી વિચાર સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ બાળકની સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન શિશુ-૧ થી ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યમાં શિક્ષણપ્રેમી દાતાઓ જેવા કે ઇમ્તિયાઝભાઈ રહાડ, સરફરાઝભાઈ કોન્ટ્રાક્ટર, ચૈતાલીદીદી તેમજ તલાટી નીતિનભાઈનો અમૂલ્ય આર્થિક સહયોગ સાંપડ્યો હતો, જેમણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.શાળાની સફળતા પાછળની અદ્રશ્ય મહેનત: આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, ઇનામ વિતરણના મંચ પર ભલે વિદ્યાર્થીઓના નામ ગુંજતા હોય, પરંતુ તેની પાછળ આચાર્ય, શિક્ષકગણ, ક્લાર્ક મેડમ અને સેવક બહેનોની રાત-દિવસની સખત મહેનત છુપાયેલી હોય છે. તેમણે ઉમેર્યું કે, જુંજેરા શાળામાં અમારો મંત્ર છે, પ્રેમ અને વિશ્વાસ. જ્યારે કોઈ બાળક નિષ્ફળ જાય, ત્યારે અમે તેને ઠપકો આપવાને બદલે તું આ કરી શકે છે. તેવો વિશ્વાસ આપીએ છીએ, અને આ એક વાક્ય જ અનેક વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. કાર્યક્રમના અંતે ટ્રસ્ટી સહપરિવાર દ્વારા શાળા પરિવાર, વાલીઓ અને ખાસ કરીને વડીલોનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. નિઃસ્વાર્થ ભાવે કરાતું કાર્ય જ્યારે કલા બની જાય છે, ત્યારે સમાજ તેની નોંધ લે જ છે તેવું આ કાર્યક્રમની ભવ્ય સફળતા પરથી સાબિત થયું છે. વાગરા તાલુકા પંથકમાં જુંજેરા વિદ્યાલયની આ નવીનતમ પહેલ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર શૈક્ષણિક કાર્યની ચોમેર પ્રશંસા થઈ રહી છે.નવીનતમ પ્રયોગો અને સાતત્યપૂર્ણ આયોજન, જુંજેરા વિદ્યાલયની આગવી શૈક્ષણિક ઓળખ: જુંજેરા વિદ્યાલય-વાગરા આજે માત્ર એક શિક્ષણધામ જ નહીં, પરંતુ સંસ્કારો અને પ્રવૃત્તિઓના સંગમસ્થાન તરીકે ઉભરી આવી છે. શાળાની આ વિશિષ્ટ ઓળખ પાછળ સમયાંતરે યોજાતા કલ્પનાશીલ અને વૈવિધ્યસભર કાર્યક્રમોનું મહત્વનું યોગદાન છે. માત્ર વાર્ષિક ઉત્સવો પૂરતું સીમિત ન રહેતા, શાળા દ્વારા વર્ષભર શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સચોટ આયોજન કરવામાં આવે છે. દાદા-દાદી સ્નેહમિલન જેવા વિષયો પરના કાર્યક્રમો દર્શાવે છે કે શાળા શિક્ષણના માળખાને સામાજિક મૂલ્યો સાથે જોડવામાં સફળ રહી છે. આ સમયાંતરે થતા આયોજનોને કારણે જ વાગરા પંથકમાં જુંજેરા વિદ્યાલયે પોતાની એક અલગ બ્રાન્ડ ઈમેજ ઉભી કરી છે, જ્યાં દરેક બાળકને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે સતત નવું આકાશ અને નવો મંચ મળતો રહે છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.