અકસ્માતનો ઠપકો આપવો ભારે પડ્યો, પરિવાર પર લાકડીઓ વડે હુમલો: વાગરા તાલુકાના દહેજ પંથકમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અકસ્માત બાદ દંપતી પર જીવલેણ હુમલો કરનાર શખ્સો આખરે પોલીસના સકંજામાં આવ્યા છે. ઘટનાની વિગતો મુજબ દહેજના પરમાર ફળિયામાં રહેતા ધવલસિંહ પરમાર પોતાની પત્નીને લેવા કોસંબા ગયા હતા. સાંજના સમયે જ્યારે દંપતી પોતાની કારમાં પરત ફરી રહ્યું હતું, ત્યારે દહેજ ગ્રામ પંચાયત પાસે પાછળથી આવતી એક બેફામ ઈકો કારે તેમની ગાડીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ધવલસિંહે નીચે ઉતરીને તપાસ કરતા કાર ચાલક ગામનો જ ભાવેશ ઉર્ફે ભાવો મકવાણા હોવાનું જણાયું હતું. ધવલસિંહે અકસ્માત અંગે ઠપકો આપતા જ મામલો બિચક્યો હતો. સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ઈકો કારમાં સવાર વિષ્ણુ રાઠોડ અને આતિષ નામના શખ્સો લાકડાના ફટકા સાથે ધસી આવ્યા હતા અને દંપતી પર તૂટી પડ્યા હતા. આટલું ઓછું હોય તેમ, હુમલાખોરોના પિતા દિનેશ મકવાણાએ પણ સ્થળ પર પહોંચી ધવલસિંહનું ગળું દબાવી તેમને માર માર્યો હતો. સ્થાનિક લોકોની ભીડ એકઠી થતા હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.
પોલીસની કાર્યવાહી, અકસ્માત સર્જનાર કારમાંથી મળ્યો દારૂ: આ હુમલા બાદ દહેજ પોલીસ એક્શન મોડમાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે દહેજ-આમોદ ચોકડી પાસેથી પસાર થતી એક સફેદ ઈકો કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી કારને આંતરીને તપાસ કરતા તેમાંથી દેશી દારૂ મળી આવ્યો હતો. આશ્ચર્યની વાત એ હતી કે આ એ જ કાર હતી, જેના દ્વારા દંપતીની ગાડીને ટક્કર મારવામાં આવી હતી. પોલીસે આ મામલે કડક હાથે કામગીરી કરી હતી. પોલીસે ઈકો કાર અને દારૂ સહિત કુલ 4.43 લાખનો મુદ્દામલ જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. હાલમાં એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. દહેજ પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. ધોળે દિવસે બનેલી આ ઘટનાએ પંથકમાં ભારે ચકચાર જગાવી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com