Geo Gujarat News

વાગરા: દહેજ પોલીસની મોટી સફળતા, GFL કંપનીમાં થયેલી 3.16 કરોડની ઘરફોડ ચોરીનો ગણતરીના સમયમાં પર્દાફાશ

વાગરા તાલુકાના દહેજ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા હાંસલ કરતા ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ કંપનીના વેરહાઉસમાંથી થયેલી 3,16,83,000/- ની માતબર રકમની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. આ મામલે પોલીસે પંજાબ, રાજસ્થાન અને સ્થાનિક રહેવાસી એવા કુલ 6 શખ્સોની ધરપકડ કરી છે અને મુદ્દામાલ રિકવર કર્યો છે. દહેજ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી GFL કંપનીએ નવા પ્લાન્ટના બાંધકામ માટે અટાલી ગામની સીમમાં વી-લોજિસ્ટિક નામનું વેરહાઉસ ભાડે રાખ્યું હતું. ગત તા. 15/04/2026 થી 16/04/2026 ના સમયગાળા દરમિયાન તસ્કરોએ વેરહાઉસનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો ત્યાંથી અંદાજે ₹15 લાખની કિંમત ધરાવતા 21 નંગ કિંમતી મિકેનીકલ સીલ (કુલ કિંમત 3.15 કરોડ), ઇન્ડસ્ટ્રીયલ વાલ્વ અને અન્ય સ્પેરપાર્ટસ મળી કુલ 3.16 કરોડથી વધુના મટીરિયલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ઘટનાની ગંભીરતાને જોતા વડોદરા રેન્જ આઈજી અને ભરૂચ એસપીની સૂચનાથી દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ઝાલાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરતા સર્વેલન્સ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે ચોરીના મુદ્દામાલ સાથે એક વાદળી રંગની બ્રેઝા ગાડી રહીયાદ ચોકડી તરફ આવી રહી છે. પોલીસે વોચ ગોઠવી ગાડીને આંતરી હતી, જેમાં તપાસ કરતા 4 ઇસમો મળી આવ્યા હતા અને ગાડીમાંથી ચોરીના મિકેનીકલ સીલ પણ મળી આવ્યા હતા. પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછમાં અન્ય બે સાગરીતોના નામ પણ ખુલ્યા હતા, જેઓ રહીયાદ ચોકડી પાસે આવેલી એક પતરાની દુકાનમાં બાકીનો મુદ્દામાલ સંતાડીને બેઠા હતા. વધુમાં, મુખ્ય આરોપી વિશાલદીપસીંગે નવેઠા ચોકડી પાસેથી એક બાઇક ચોર્યું હોવાની અને અગાઉ માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી ચોરીમાં પણ પોતાની સંડોવણી હોવાની કબૂલાત કરી છે. પોલીસે હાલમાં બ્રેઝા ગાડી, ચોરીનું બાઇક, 2 મોબાઈલ અને તમામ ચોરાયેલ મટીરિયલ મળી કુલ 3,21,68,000/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કેસમાં ઉત્તર પ્રદેશનો બલવિંદરસિંગ નામનો એક આરોપી હજુ વોન્ટેડ છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.