પોલીસ ફરજમાં આડો આવનાર હનીફ પઠાણને જેલના હવાલે કરતી અદાલત, રક્ષકો પર હુમલો કરનારની હવે ખેર નથી: કાયદાનું રક્ષણ કરનારા સુરક્ષાકર્મીઓ પર હુમલો એટલે સીધો કાયદાના શાસન પર પ્રહાર. આવા જ એક ગંભીર કિસ્સામાં વાગરાની કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.સી સોઢા પરમારનાઓએ ઐતિહાસિક કડક વલણ અપનાવીને ખાખીનું લોહી વહેવડાવનાર શખ્સને તેના ગુનાનું ભાન કરાવ્યું છે. ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પર ગાડી ચઢાવી દઈ તેમને ગંભીર ઈજા પહોંચાડનારા આરોપી હનીફ નિઝામ પઠાણને અદાલતે 3 વર્ષની સખત કેદની સજા ફટકારી જેલના હવાલે કરવાનો હુકમ કર્યો છે. ઘટનાની વિગતો રુંવાડા ઉભા કરી દે તેવી છે. ગત 29 ફેબ્રુઆરી 2024 ના રોજ જ્યારે વાગરા પોલીસ લૂંટ જેવા ગંભીર ગુનાના સંદર્ભમાં ઓરા ચોકડી પાસે રાત-દિવસ જોયા વગર નાકાબંધી કરી રહી હતી, ત્યારે આરોપી હનીફ પઠાણ પોતાની સફેદ બ્રેઝા ગાડી GJ-16-CH-1555 લઈને ત્યાંથી નીકળ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ માલકીયાએ જ્યારે કાયદેસરની તપાસ માટે ગાડી રોકવાનો ઈશારો કર્યો, ત્યારે કાયદાનો જરાય ભય રાખ્યા વગર આ શખ્સે ગાડી ઉભી રાખવાને બદલે એક્સિલરેટર પર પગ દબાવી દીધો હતો. આરોપીએ પોલીસ જવાનને ગાડીની સીધી ટક્કર મારી ફંગોળી દીધા હતા, જેના કારણે કોન્સ્ટેબલને કમર અને ઢીંચણના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. હુમલો કર્યા બાદ આરોપી નાસી છૂટ્યો હતો, જે તેની ગુનાહિત માનસિકતા છતી કરે છે.
ન્યાયતંત્રની લાલ આંખ, ખાખી પર હાથ ઉપાડશો તો જેલ નિશ્ચિત છે!: આ કેસની સુનાવણી દરમિયાન અદાલતે અત્યંત કડક અવલોકન કર્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકારી કર્મચારી જ્યારે પોતાની જાનના જોખમે પ્રજાની સુરક્ષા માટે રસ્તા પર ઉભો હોય, ત્યારે તેની ફરજમાં રુકાવટ કરી હુમલો કરનાર તત્વો પ્રત્યે કોઈ પણ પ્રકારની રહેમદિલી દાખવી શકાય નહીં. આરોપી હનીફ નિઝામ પઠાણને IPC કલમ ૩૩૨ અને ૩૫૩ હેઠળ દોષિત ઠેરવી 3 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ સહિત કોર્ટે આરોપીને રૂ. ૨૦૦૦નો દંડ પણ ફટકાર્યો છે, અને જો દંડ ભરવામાં કસૂરવાર ઠરે તો વધુ બે માસની સજા ભોગવવી પડશે. સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે સાબિત કર્યું છે કે કાયદો કોઈની શેહ-શરમ રાખતો નથી. વાગરા કોર્ટના આ પ્રેરણાદાયી ચુકાદાથી એવા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જેઓ પોલીસને ડરાવવાની કે તેમની ફરજમાં અવરોધ ઉભો કરવાની કોશિશ કરે છે. આ ચુકાદો પોલીસ દળનું મનોબળ વધારનારો અને અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવનારો સાબિત થશે. હવે ભવિષ્યમાં કોઈપણ શખ્સ લોકસેવક પર હુમલો કરતા પહેલા સો વાર વિચાર કરશે, કારણ કે વાગરા કોર્ટે સાબિત કરી દીધું છે કે કાયદાના હાથ લાંબા છે. અને ખાખી સાથેની છેડછાડ મોંઘી પડશે!
પોલીસ પર હુમલો કરનાર સામે વાગરા કોર્ટનો વીજળીક ફેંસલો: વાગરા કોર્ટના આ કેસમાં સૌથી નોંધપાત્ર બાબત ન્યાયિક પ્રક્રિયાની અભૂતપૂર્વ ઝડપ રહી છે. ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ આ ગુનો આચરવામાં આવ્યો હતો અને માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં એટલે કે ૨૬ જૂન ૨૦૨૪ના રોજ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અદાલતે મામલાની ગંભીરતા સમજીને વીજળીક વેગે સુનાવણી હાથ ધરી હતી. અને કેસ દાખલ થયાના 1 વર્ષ 9 મહિના અને 26 દિવસ જેટલા ગણતરીના સમયમાં જ, એટલે કે ૨૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ અંતિમ ફેંસલો સંભળાવી દીધો હતો. સામાન્ય રીતે વર્ષો સુધી ચાલતા ફોજદારી કેસોની સરખામણીએ વાગરા કોર્ટે આટલા ટૂંકા સમયમાં ચુકાદો આપીને સાબિત કર્યું છે કે જો મક્કમ નિર્ધાર હોય તો ન્યાયતંત્રમાં ગુનેગારોને સજા અપાવવામાં વિલંબ થતો નથી. આ ઝડપી ફેંસલાએ ન્યાયિક ક્ષેત્રે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને લોકોનો ન્યાયતંત્ર પરનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે.
ત્વરિત ન્યાયનું પર્યાય બની વાગરા કોર્ટ, જજ આર.સી. સોઢા પરમારની કોર્ટમાં કેસોનો ગણતરીના સમયમાં નિકાલ: સામાન્ય રીતે ન્યાયિક પ્રક્રિયામાં વર્ષો વીતી જતા હોય છે. તેવી લોકવાયકાને વાગરાની અદાલતે ખોટી સાબિત કરી છે. વાગરાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.સી. સોઢા પરમારની કોર્ટ હાલમાં સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે, કારણ કે અહીં કેસોનો નિકાલ તારીખ પર તારીખ આપવાને બદલે ખૂબ જ ટૂંકા ગાળામાં અને ગણતરીના સમયમાં કરવામાં આવે છે. પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર આરોપીને સજા ફટકારવાનો તાજેતરનો કેસ એ કોઈ છૂટીછવાઈ ઘટના નથી. અગાઉ પણ અનેક એવા કેસો સામે આવ્યા છે. જેમાં પુરાવાઓ અને સાક્ષીઓની તપાસ બાદ ન્યાયાધીશશ્રીએ અત્યંત પ્રભાવશાળી અને વીજળીક ગતિએ ચુકાદાઓ સંભળાવ્યા છે. આ પ્રકારની કાર્યશૈલીથી કાયદાકીય તંત્રમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.સી. સોઢા પરમારની કોર્ટમાં કેસોના તાત્કાલિક નિકાલ પાછળનું મુખ્ય કારણ કેસના સંચાલનમાં રાખવામાં આવતી તકેદારી અને કાયદાકીય શિસ્ત છે. જ્યારે ગુનો બન્યાના ટૂંકા ગાળામાં જ સજા મળે છે, ત્યારે સમાજમાં કાયદાનો ડર સ્થાપિત થાય છે. ખાસ કરીને પોલીસ કે અન્ય સરકારી કર્મચારીઓ પર થતા હુમલાના કેસોમાં જ્યારે આટલી ઝડપથી ન્યાય મળે છે, ત્યારે ફરજ પરના કર્મચારીઓનું મનોબળ પણ મજબૂત બને છે. વાગરા કોર્ટની આ ઝડપ અને સચોટ ન્યાય પ્રણાલી અન્ય અદાલતો માટે પણ એક આદર્શ ઉદાહરણ પૂરું પાડી રહી છે. ન્યાયમાં વિલંબ એટલે ન્યાયનો ઇનકાર! એ ઉક્તિને સાર્થક કરતા આ ચુકાદાઓએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com