વાગરા પોલીસ સ્ટેશનની ટીમે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. મળતી વિગતો અનુસાર, પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં ચોરીના વાયર ભરીને કેટલાક શખ્સો આમોદ તરફ જઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ચાંચવેલ ગામની ચોકડી પાસે વોચ ગોઠવીને શંકાસ્પદ કારને અટકાવી હતી. તલાશી લેતા સ્વિફ્ટ કાર નંબર: GJ-16-BG-9799 ની પાછળની સીટ અને ડીકીમાંથી મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધાતુના ઈલેક્ટ્રિક તારના ગૂંચળા મળી આવ્યા હતા. પોલીસે કારમાં સવાર બે શખ્સો ઝુબેર ફિરોજ જાદવ (ઉં.વ. ૨૩) અને મુઝફ્ફર ફિરોજ જાદવ (ઉં.વ. ૨૦) બંને રહેવાસી ઈંટોલા, જાદવ ફળિયું, તા-આમોદની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી હતી.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ આ વાયર ONGC ના પ્લાન્ટ GG-5 નજીક આવેલી બંધ ઈલેક્ટ્રિક લાઈનમાંથી કાપ્યા હતા. અને તેને નજીકના બાવળની ઝાડીમાં છુપાવ્યા હતા. ત્યાંથી થોડો-થોડો વાયર કારમાં ભરી તેઓ આમોદના કોઈ વેપારીને વેચવા જઈ રહ્યા હતા. પોલીસ તપાસમાં કુલ ૫૩૦ કિલોગ્રામ વાયર મળી આવ્યો છે, જેની બજાર કિંમત આશરે રૂપિયા ૬૩,૬૦૦/- આંકવામાં આવી છે. વાગરા પોલીસે આશરે ૨ લાખની કિંમતની સ્વિફ્ટ કાર અને ચોરીનો મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૨,૬૩,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ BNSS ની કલમો હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ અર્થે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગકુરભાઈ અને તેમની ટીમ જોડાઈ હતી. પોલીસ હવે આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com