આમોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 માટેનો મતદાનનો દિવસ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર પૂર્ણ થયો હતો. સવારથી જ મતદારોમાં જોવા મળેલા ઉમંગના પગલે આમોદમાં રેકોર્ડબ્રેક 81 ટકા જેટલું ભારે મતદાન નોંધાયું હતું. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવની જાણ નથી અને ચૂંટણી અધિકારીની સૂચના હેઠળ આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થઈ હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.મતગણતરી સુધીની દરેક પ્રક્રિયા લોકશાહીની પવિત્રતા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
આમોદ નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ, ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આજે એક કાયદેસર અને પારદર્શી કાર્યવાહી હાથ ધરવામાં આવી. છ વોર્ડમાં ઉપયોગમાં લેવાયેલા તમામ EVM મશીનોને કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ આમોદ મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. ચૂંટણી અધિકારીશ્રી અને મામલતદારશ્રીએ તમામ સભ્યોની સત્તાવાર હાજરીમાં એક પછી એક દરેક મશીનની સંપૂર્ણ નોંધણી સાથે તેમને સુરક્ષિત સ્ટોર રૂમમાં મૂકવાની પ્રક્રિયા પૂર્ણ કરી.
ચૂંટણી અધિકારી શ્રી પી.એસ. રાંક (નાયબ ખેતી નિયામક, ભરૂચ) અને આમોદ મામલતદાર ડો. મયુર ઝેડ. વરિયાની દેખરેખમાં દરેક EVM મશીનની એન્ટ્રી, મશીન નંબર, સીલ નંબરની ચકાસણી કરીને કરવામાં આવી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના અધિકૃત એજન્ટો અને સંબંધિત સભ્યોને હાજર રાખીને કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું. સ્ટોર રૂમ સીલ કર્યા બાદ ત્યાં 24 કલાક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને CCTV મારફતે સતત નજર રાખવામાં આવી રહી છે.
ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, “મતદાતાનો વિશ્વાસ જ અમારી સૌથી મોટી જીત છે” જ્યારે મામલતદારે ખાતરી આપી કે, “ચૂંટણીની પવિત્રતા જાળવવા માટે કોઈપણ પ્રકારની ઢીલાશ નહીં રાખવામાં આવે.” પ્રશાસનની આ પારદર્શી કાર્યવાહીથી નગરના નાગરિકો અને રાજકીય પક્ષો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.હવે તમામ નજરો મતગણતરીના દિવસે છે, જ્યાં આ જ સીલ થયેલા EVM મશીનો આમોદના રાજકીય ભવિષ્યનો અંતિમ નિર્ણય જાહેર કરશે
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com