Geo Gujarat News

વાગરામાં ખનીજ માફિયાઓનું નેટવર્ક ફરી સક્રિય, તંત્રની ઊંઘ કે મિલીભગત?, મીનાબેન પટેલ કરી શકતા હતા, તો વર્તમાન તંત્ર કેમ લાચાર?

માટેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો, વિકાસના માર્ગોનું નિકંદન? મીનાબેન પટેલ કરી શકતા હતા, તો વર્તમાન તંત્ર કેમ લાચાર?: વાગરા પંથકમાં જાણે કાયદાનો ખોફ ઓસરી ગયો હોય તેમ ખનીજ માફિયાઓએ ફરી એકવાર પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. અગાઉના કડક મિજાજના મામલતદાર મીનાબેન પટેલના કાર્યકાળ દરમિયાન જે માફિયાઓ ફફડાટના માર્યા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, તેઓ તેમની બદલી થતા જ ફરી મેદાનમાં આવ્યા છે. હાલ વાગરાના અંતરિયાળ ગામોથી લઈને મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર ખનન અને વહનનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે, જેણે સ્થાનિક વહીવટી તંત્રની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. વાગરાથી સારણ, સાયખા, સુતરેલ અને લીમડી જેવા વિસ્તારોમાં માટી ઉલેચવાની પ્રવૃત્તિ પરાકાષ્ઠાએ પહોંચી છે. ખાસ કરીને પખાજણ-લીમડી માર્ગ પર ખનીજ ભરેલા હાઈવા ડમ્પરો માટેલા સાંઢની જેમ બેફામ ગતિએ દોડી રહ્યા છે. નવાઈની વાત એ છે કે જે માર્ગનું તાજેતરમાં જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું, તે માર્ગ આ ભારેખમ વાહનોના કારણે બિસ્માર થવાની ભીતિ સેવાઈ રહી છે. રસ્તા પર ઉડતી ધૂળની ડમરીઓને કારણે બાઈક સવારોએ જીવના જોખમે વાહનો ઉભા રાખવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. શું આ માફિયાઓને કોઈનો ડર નથી?ભીની રેતી અને જીવલેણ જોખમ, રાજકીય ઓથ અને તંત્રનો ટૂંકો પનો?: માત્ર માટી જ નહીં, પણ વાગરા-દેરોલ માર્ગ પરથી પસાર થતા રેતીના ડમ્પરો પણ જોખમ વધારી રહ્યા છે. નિયમોને નેવે મૂકીને ભીની રેતીનું વહન કરવામાં આવે છે, જેનાથી માર્ગો પર પાણી ઢોળાય છે અને રસ્તાઓ લપસણા બની રહ્યા છે, જે અકસ્માતને સીધું આમંત્રણ આપી રહ્યા છે. સાયખા GIDC અને આસપાસના રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સમાં ચાલતા કન્સ્ટ્રક્શનના નામે પરવાનગી વગર ધરતીનું સીનું ચીરવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં લેડી મામલતદાર મીનાબેન પટેલે દરોડા પાડીને જે રીતે માફિયાઓના નેટવર્કને તોડી પાડ્યું હતું, તે જોતા સ્પષ્ટ થાય છે કે જો તંત્ર પાસે પ્રબળ ઈચ્છાશક્તિ હોય તો આ દૂષણ ડામી શકાય છે. પરંતુ હાલની સ્થિતિ જોતા લાગે છે કે તંત્રએ મૌન સેવીને માફિયાઓને મોકળું મેદાન પૂરું પાડ્યું છે. લોકચર્ચા મુજબ, આ ખનીજ ચોરી પાછળ કેટલાક રાજકીય વગ ધરાવતા મોટા માથા અને બે નંબરીયા તત્વોનો હાથ હોવાથી સ્થાનિક તંત્ર કાર્યવાહી કરતા અચકાઈ રહ્યું છે. રાત્રિના સમયે જો આકસ્મિક તપાસ કરવામાં આવે તો કરોડોનું કૌભાંડ અને મોટું નેટવર્ક ઝડપાઈ શકે તેમ છે. જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે કે, શું વાગરાની જનતાને ધૂળ અને અકસ્માતોના ભય વચ્ચે જ જીવવું પડશે? શું તંત્ર આ ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરશે કે પછી હપ્તા સંસ્કૃતિ તળે જનતાના હિતોનું બલિદાન અપાતું રહેશે?નંબર પ્લેટ વિનાના ડમ્પરોનો આતંક, શું તંત્ર જાણી જોઈને અજાણ?: વાગરા પંથકમાં ખનીજ માફિયાઓની હિંમત એટલી હદે વધી ગઈ છે કે હવે તેઓ કાયદાને જૂના જોડા સમાન ગણી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ માર્ગો પર વહન કરતા મોટાભાગના ડમ્પરો કોઈપણ જાતની નંબર પ્લેટ વગર જ બેફામ દોડી રહ્યા છે. નંબર પ્લેટ ન હોવા પાછળનું મુખ્ય કારણ કોઈ અકસ્માત સર્જાય કે ગેરકાયદે પ્રવૃત્તિ પકડાય તો વાહનની ઓળખ છુપાવી શકાય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પ્રાદેશિક પરિવહન વિભાગની રહેમ નજર હેઠળ જ આ નંબર વગરનું સામ્રાજ્ય ધમધમી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જે માર્ગો પર સામાન્ય નાગરિક હેલ્મેટ કે સીટ બેલ્ટ વિના દંડાય છે, ત્યાં આ મસમોટા ડમ્પરો નંબર પ્લેટ જેવી પ્રાથમિક જરૂરિયાત વિના કઈ રીતે ફરી શકે? આ બાબત તંત્રની કામગીરી અને માફિયાઓ સાથેની કથિત મિલીભગત સામે અનેક સવાલો ઉભા કરે છે.ખેતરો ચીરીને ખાનગી રસ્તા બનાવ્યા, જાહેર માર્ગો પર માટેલા સાંઢની જેમ ડમ્પરો બેફામ! વાગરા પંથકમાં ખનીજ માફિયાઓની દાદાગીરી હવે પરાકાષ્ઠાએ પહોંચી છે અને તેઓ જાણે તંત્રને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. મામલતદાર મીનાબેન પટેલની બદલી થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા માફિયાઓ ફરી બેફામ બન્યા છે. હદ તો ત્યારે થઈ જ્યારે કેટલાક માફિયાઓએ GIDC વિસ્તારમાં ગેરકાયદેસર માટી પહોંચાડવા માટે સીધા ખેડૂતોના હરિયાળા ખેતરો ચીરીને નવો રસ્તો જ બનાવી દીધો છે! આ દર્શાવે છે કે તેઓને કાયદાનો કોઈ ખોફ જ રહ્યો નથી. બીજી તરફ, લીમડી-પખાજણ જેવા તાજેતરમાં નવીનીકરણ કરાયેલા કરોડોના માર્ગો પર આ માટેલા સાંઢ જેવા ડમ્પરો માટી ભરીને અત્યંત સ્પીડે દોડી રહ્યા છે. ધૂળની ડમરીઓ અને જીવલેણ અકસ્માતના ભય વચ્ચે વાહનચાલકો અને મુસાફરો લાચાર બની ગયા છે. શું તંત્ર આ માફિયાઓ સામે કોઈ પગલાં લેશે કે પછી વાગરાની ધરતી આમ જ લૂંટાતી રહેશે? આ પણ વાંચો: વાગરા મામલતદાર મીનાબેન પટેલે એક જ દિવસમાં ૧૬૬ ટન ખનીજ જપ્ત, વાગરાથી નારેશ્વર સુધી ભૂમાફિયાઓના સામ્રાજ્યમાં ભૂકંપ!

વાગરા મામલતદારનો કાળઝાળ પ્રહાર, ખનીજ માફિયાઓના આંતરડા કંપાવી દેતી કાર્યવાહી, એક જ દિવસમાં ૧૬૬ ટન ગેરકાયદે ખનીજ ઝડપી પાડ્યું!

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.