Geo Gujarat News

અંકલેશ્વર નેશનલ હાઈવે પરથી નશાના કારોબારનો પર્દાફાશ: CID ક્રાઈમે ચરસ-ગાંજા સાથે બે શખ્સોને દબોચ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સે એક સફળ ઓપરેશન પાર પાડીને નશીલા પદાર્થોના વેચાણનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. ગાંધીનગર એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સના પી.એસ.આઈ. વી.કે. ગરાસિયા અને તેમની ટીમ જ્યારે ભરૂચ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક ઈસમો બાઈક પર ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ જેવા ઘાતક માદક પદાર્થોની હેરફેર કરી રહ્યા છે અને તેનું ગેરકાયદેસર વેચાણ કરવાના ફિરાકમાં છે. આ બાતમીના આધારે સતર્ક થયેલી પોલીસે અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે આવેલા વોકિંગ ફ્લાયઓવર નજીક વ્યૂહાત્મક વોચ ગોઠવી હતી.આ દરમિયાન વાલિયા ચોકડી તરફથી એક બાઈક પર ત્રણ શંકાસ્પદ ઈસમો બેગ સાથે આવતા જણાયા હતા. પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કરતા જ મધરાત્રે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં એક ઈસમ ચાલુ બાઈકે કૂદીને અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જોકે, પોલીસે સતર્કતા દાખવીને સ્થળ પરથી માંગરોળના કોઠવા ગામના રહેવાસી તૌસિફ મુસ્તાક શેખ અને મહેન્દ્ર મુકેશ વસાવા નામના બે શખ્સોને કોર્ડન કરીને ઝડપી લીધા હતા.પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓ પાસેથી 973 ગ્રામ ગાંજો અને 195 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી મોટરસાઈકલ અને બે મોબાઈલ ફોન સહિત કુલ ₹1.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે નાસી છૂટેલો ત્રીજો શખ્સ સુવેજ ગુલામ શેખ છે,જેને હાલ વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ તેજ કરવામાં આવી છે. એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સની આ કાર્યવાહીને પગલે પંથકના ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસ હવે આ માદક પદાર્થો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કોને વેચવાના હતા તે દિશામાં ઉંડી તપાસ ચલાવી રહી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.