ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા વીજ ચોરીના દૂષણને ડામવા માટે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારના અંધકારમાં જ વીજ કંપનીના કાફલાએ ગામમાં ધામા નાખતા વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.ચેકિંગની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને DGVCL ના સિક્યુરિટી સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
DGVCL ના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેણે ગામના વિવિધ વિસ્તારોમાં એકસાથે તપાસ શરૂ કરી હતી.ખાસ કરીને રહેણાંક વિસ્તારોમા ડાયરેક્ટ લંગરિયા તેમજ મીટરમાં કરવામાં આવતી ગેરરીતિઓ પર વોચ રાખવામાં આવી હતી.વહેલી સવારના સમયે જ ગાડીઓના કાફલા સાથે આવેલી વીજ કંપનીની ટીમોને જોઈને ગ્રામજનોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. જે લોકો પ્રામાણિકપણે વીજ બિલ ભરે છે તેઓએ આ કામગીરીને આવકારી હતી, જ્યારે વીજ ચોરી કરતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
આ લખાય છે ત્યાં સુધી ચેકિંગની કાર્યવાહી ચાલુ છે અને સાંજ સુધીમાં કુલ કેટલા રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો તેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com