છેતરપિંડીના નેટવર્કનો પર્દાફાશ, 7 શખ્સો સામે નોંધાયો ગંભીર ગુનો: વાગરા તાલુકાના ગંધાર ગામે સરકારી માલિકીની ૩૫૦ એકર જમીન પર મીઠું પકવવાના લીઝના હક્કો મેળવવા માટે આચરાયેલું એક મોટું અને ગંભીર છેતરપિંડીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ મામલે વાગરા પોલીસ મથકે મુંબઈના ઉદ્યોગપતિ દંપતી અને ત્રણ એડવોકેટ સહિત કુલ સાત શખ્સો સામે આઈ.પી.સી. ની કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૨૦ તથા ૧૨૦(બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કૌભાંડમાં ખોટા દસ્તાવેજો, નકલી સહીઓ અને અંગૂઠાના નિશાનો કરી કલેક્ટર કચેરીને પણ ગેરમાર્ગે દોરવાનો ગંભીર આક્ષેપ છે. ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી એઝાઝ આદમભાઈ પટેલના દાદા વલીભાઈને વર્ષ ૧૯૮૫માં સરકાર દ્વારા વાગરાના ગંધાર ગામે ૩૫૦ એકર જમીન મીઠું પકવવા માટે લીઝ પર ફાળવવામાં આવી હતી. આ જમીન પર વહીવટ કરવા માટે ફરિયાદીના દાદાએ ક્રુસેડ ફાઈનાન્સ કંપનીના પાર્થિવ એલ. દેસાઈ સાથે ભાગીદારી કરી હતી. જોકે, ૨૦૧૫માં ફરિયાદીના દાદાના અવસાન બાદ આરોપીઓએ સત્તા અને સંપત્તિની લાલચમાં માનવતા નેવે મૂકી છેતરપિંડીનો ખેલ શરૂ કર્યો હતો.
મૃતક દાદાના ખોટા દસ્તાવેજો બનાવી વારસદારો સાથે છેતરપિંડી: ફરિયાદમાં આક્ષેપ છે કે આરોપી પાર્થિવ દેસાઈ અને તેની પત્ની રોહિણી દેસાઈએ વીમારંઝુ સોલ્ટ વર્ક્સના નામે તમામ વહીવટ સંભાળી લીધો હતો. અને ભાગીદારી કરાર મુજબ ફરિયાદીના વારસદારોને નફામાં કોઈ હિસ્સો આપ્યો ન હતો. આટલું જ નહીં, આરોપીઓએ કાયદાના રક્ષકો એવા ભરૂચના 3 એડવોકેટ સાથે મળીને ગુનાહિત કાવતરું રચ્યું હતું. ફરિયાદીના પિતા અને કાકાના નામના ખોટા સંમતિપત્રો બનાવી, તેમાં નકલી સહીઓ અને અંગૂઠાના નિશાનો કરી તેને સાચા તરીકે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે રજૂ કર્યા હતા. આ છેતરપિંડીના આધારે આરોપીઓએ ખોટા પુરાવા ઉભા કરી લીઝ રીન્યુ કરાવી લીધી હતી. અને અસલ વારસદારોના હક્કો છીનવી લીધા હતા. વાગરા પોલીસે આ મામલે પાર્થિવ એલ દેસાઈ, રોહિણી પાર્થિવ દેસાઈ બંને રહે મુંબઇ સહિત 7 લોકો સામે ગુનો નોંધી ઉંડી તપાસ હાથ ધરી છે. સફેદ રણના આ કાળા કારનામાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.
વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને સફેદ રણના કાળા કારનામાનો પર્દાફાશ: વાગરા પોલીસે હાલમાં આ ચકચારી કૌભાંડમાં ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસ દ્વારા આઈ.પી.સી. ની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં દસ્તાવેજી પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને કલેક્ટર કચેરીમાં રજૂ કરાયેલા ખોટા સંમતિપત્રો, નકલી સહીઓ અને અંગૂઠાના નિશાનો પાછળના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા પોલીસ મથામણ કરી રહી છે. આગામી દિવસોમાં આરોપીઓની ધરપકડ અને સઘન પૂછપરછ બાદ આ જમીન કૌભાંડના અન્ય કેટલા અને કેવા મોટા ખુલાસા થાય છે તેના પર સૌની નજર ટકેલી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં જમીન પચાવી પાડવાના આવા અનેક કિસ્સાઓ અવારનવાર સપાટી પર આવતા રહે છે. છતાં પણ વહીવટી તંત્ર અને માથભારે તત્વોના મેળાપીપણામાં આ પ્રકારના કાળા કારનામા બેરોકટોક ચાલતા આવ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જ્યાં સુધી કોઈ પીડિત વ્યક્તિ હિંમત કરીને વ્યક્તિગત ફરિયાદ ન નોંધાવે ત્યાં સુધી જવાબદાર તંત્ર પણ મૂકપ્રેક્ષક બનીને તમાશો જોયા કરતું હોય છે. વાગરા પોલીસ મથકે નોંધાયેલ આ તાજેતરનો ગુનો તંત્રની નિષ્ક્રિયતા અને આરોપીઓના ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરે છે, જેમાં દાયકાઓ જૂના મીઠા પકવવાના લીઝના હક્કો આંચકી લેવા માટે નકલી દસ્તાવેજોનો સહારો લેવાયો હતો.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com