પેટ્રોલ-ડીઝલ માટે પડાપડી, ખેતીના સંકટ વચ્ચે પંપો પર કેરબાઓની લાંબી કતારો! વાગરા તાલુકામાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે. મિડલ ઈસ્ટના યુદ્ધ અને ઇંધણ બચાવવાની વડાપ્રધાનની સલાહ બાદ ફેલાયેલી ચર્ચાઓને પગલે સ્થાનિકોમાં ગભરાહટ ફેલાયો હતો. પરિણામે, વહેલી સવારથી જ વિવિધ પેટ્રોલ પંપો પર વાહનોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી અને અનેક સ્થળોએ નો સ્ટોકના પાટિયા ઝૂલતા થઈ ગયા હતા. હાલ ખેતીની સીઝન ચાલતી હોવાથી સિંચાઈ માટે નહેરમાંથી પાણી ખેંચવા ડીઝલ પંપની અનિવાર્ય જરૂરિયાત છે. ડીઝલ નહીં મળે તેવી આશંકાએ ખેડૂતો ટ્રેક્ટરો અને ગાડીઓ લઈને પંપ પર ઉમટી પડ્યા હતા. વાગરાના ઇન્ડિયન ઓઇલ પંપ સહિતના સ્ટેશનો પર રાતના સમયે પણ ખેડૂતોએ પોતાના વારાની રાહમાં લાઈનસર કેરબા અને ડબ્બા ગોઠવી દીધા હતા. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં ઇંધણ નહીં મળે તો ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ છે, જેના કારણે તેઓ ભવિષ્ય માટે અત્યારથી જ સ્ટોક કરવા મજબૂર બન્યા છે.
ડીઝલની અછત વચ્ચે ખેડૂતોની લાંબી કતારો, સિંચાઈ માટે સર્જાઈ દોડધામ, અફરાતફરી અને ટ્રાફિકના દ્રશ્યો: પેટ્રોલ-ડીઝલ ખૂટી જવાની વાતો વાયુવેગે પ્રસરતા વાહનચાલકોમાં ફાળ પડી હતી. ખાસ કરીને બાઈકચાલકોમાં વધુ દોડધામ જોવા મળી હતી. કેટલાક પંપો પર તો ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા. જે પંપો પર સ્ટોક હતો ત્યાં લોકો કેરબાઓમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે પડાપડી કરતા નજરે પડ્યા હતા. ભીડ અને અછત વચ્ચે લોકો પ્લાસ્ટિકના કેરબા અને ડબ્બાઓમાં પેટ્રોલ-ડીઝલનો સંગ્રહ કરી રહ્યા છે, જે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે વધતી ગરમીમાં પ્લાસ્ટિકના ડબ્બામાં પેટ્રોલ રાખવાથી વિસ્ફોટ કે આગ લાગવાનું જોખમ રહે છે, ઇંધણના સંગ્રહ માટે ચોક્કસ સુરક્ષા નિયમો હોય છે, જેનું ઉલ્લંઘન મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. હાલમાં વાગરા તાલુકાના વાહનચાલકો અને ખેડૂતો વહીવટીતંત્ર સામે મીટ માંડીને બેઠા છે કે ક્યારે ઇંધણનો પુરવઠો પૂર્વવત થાય અને આ અફરાતફરીના માહોલમાંથી મુક્તિ મળે.
ખાડી દેશોમાં યુદ્ધના ભણકારા વચ્ચે વાગરામાં ઇંધણની અછતની દહેશત, પેટ્રોલ પંપો પર ‘હાઉસફુલ’ અને અફરાતફરીનો માહોલ: વાગરા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની તંગીની અફવાઓએ જોર પકડતા સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ અને દોડધામ જોવા મળી રહી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસરો ભારતના ઇંધણ પુરવઠા પર પડશે તેવી આશંકા વચ્ચે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી ઇંધણ બચાવવાની અપીલને પગલે લોકોમાં ફાળ પડી છે. સ્થાનિક રહીશોમાં એવી પ્રબળ ચર્ચા છે કે જો ખાડી દેશોમાં સ્થિતિ વધુ વણસશે, તો આગામી સમયમાં આસમાને પહોંચતી મોંઘવારી અને ઇંધણની આકરી તંગીનો સામનો કરવો પડી શકે છે. આ ભવિષ્યના સંકટથી બચવા માટે લોકો અત્યારથી જ ઇંધણનો સંગ્રહ કરવા મજબૂર બન્યા છે, જેના કારણે વાગરાના તમામ મુખ્ય પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ વાહનોની કિલોમીટર લાંબી કતારો અને હાઉસફુલ જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને ખેતી માટે સિંચાઈના પંપ ચલાવવા ડીઝલની તાતી જરૂરિયાત હોવાથી ખેડૂતો મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના કેરબા અને ડબ્બા લઈને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેલા જોવા મળે છે. આ અફરાતફરીના માહોલમાં સુરક્ષાના નિયમો નેવે મુકીને થઈ રહેલો ઇંધણનો સંગ્રહ ગમે ત્યારે જોખમી સાબિત થઈ શકે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com