વાગરા ખાતે આવેલ જી.ઈ.બી. ચોકડી નજીકના ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટર ખાતે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય મફત કાનૂની સલાહ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ યોજાયેલા આ વિશેષ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય અને જરૂરિયાતમંદ લોકોને પડતી કાનૂની મૂંઝવણોનું વિનામૂલ્યે અને સુખદ નિરાકરણ લાવવાનો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ડિરેકટર સૈયદ વાહીદ અલી બાવા તથા સૈયદ મુનાફ અલી બાવાની સીધી નિગરાની અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા માટે ફૈઝ યંગ સર્કલના ઉત્સાહી કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી પ્રશંસનીય સહયોગ આપ્યો હતો.
આ કાનૂની સલાહ કેમ્પમાં ખાસ કરીને કૌટુંબિક ઝઘડાઓ, માલ-મિલકત તથા જમીનને લગતા જટિલ વિવાદો, નાણાકીય લેણદેણની સમસ્યાઓ તેમજ લગ્ન વિષયક કાનૂની ગૂંચવણો અંગે નિષ્ણાતો દ્વારા સ્થળ પર જ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વરિષ્ઠ એડવોકેટોની પેનલે ઉપસ્થિત રહીને લોકોને કાયદાકીય પાસાઓની સરળ સમજ આપી હતી. આયોજિત આ પ્રોગ્રામમાં વાગરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અરજદારો અને સામાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ પોતાની કાનૂની સમસ્યાઓની રજૂઆત કરી નિષ્ણાત વકીલો પાસેથી સચોટ અને મફત માર્ગદર્શન મેળવ્યું હતું, જેને પગલે સ્થાનિકોમાં ટ્રસ્ટની આ સામાજિક કામગીરી પ્રત્યે ભારે આદર અને આનંદની લાગણી જોવા મળી હતી.
આ સેવાકીય કાનૂની કેમ્પમાં અરજદારોને સચોટ માર્ગદર્શન આપવા માટે જાણીતા ધારાશાસ્ત્રીઓની આખી પેનલ ઉપસ્થિત રહી હતી. જેમાં એડવોકેટ જાવીદ અખ્તર એચ. કાદરી, એડવોકેટ મો. અલી વાય. પટેલ, એડવોકેટ મકબુલ જે. રાજ, એડવોકેટ ઇલ્યાસ બી. ભટ્ટી, એડવોકેટ સમીરખાન એ. રાજ, એડવોકેટ બખત્યાર એસ. કુળદ અને એડવોકેટ આરફીભાઈ ચૌહાણ જેવા કાયદાના નિષ્ણાતોએ હાજર રહીને લોકોને કાનૂની ગૂંચવણો ઉકેલવામાં મદદ કરી હતી. આ ઉપરાંત ટ્રસ્ટના સેક્રેટરી બશિર પટેલ, અગ્રણી દિલીપભાઈ રાણા (પહાજ) તેમજ ગુલામભાઈ ડીશવાલા (વાગરા) સહિતના સ્થાનિક આગેવાનોએ પણ ખાસ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. આ તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં આવેલા અરજદારોએ શાંતિપૂર્વક પોતાની સમસ્યાઓની રજૂઆત કરી ન્યાયિક માર્ગદર્શન મેળવ્યું હતું.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com