આમોદ નગરપાલિકાના સત્તાધીશો જાણે કોઈ મોટી માનવસર્જિત દુર્ઘટના ઘટે અને નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાય તેની કાગડોળે રાહ જોઈને બેઠા હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરના ધમધમતા હૃદયસમાન ચાર રસ્તા પર આવેલા મુખ્ય ગેટ પરથી ચોવીસેય કલાક પોપડા ઉખડીને નીચે ખાબકવાની ઘટનાએ સ્થાનિકોના જીવ તાળવે ચોંટાડી દીધા છે. આ વ્યસ્ત વિસ્તારમાં ગમે ત્યારે ગેટના જર્જરિત ભાગો કોઈ રાહદારી કે વાહનચાલકના માથા પર કાળ બનીને તૂટી પડે તેવી ભયજનક સ્થિતિ સર્જાઈ છે. તેમ છતાં, પાલિકા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી, જે તેમની ઘોર બેદરકારી અને નઘરોળ વહીવટની ચાડી ખાય છે.
આમોદની દયનીય સ્થિતિ માત્ર આ એક ગેટ પૂરતી સીમિત નથી સમગ્ર નગર અત્યારે જર્જરિત અને જોખમી ઇમારતોના ટાઈમ બોમ્બ પર બેઠું છે. મુખ્ય બજારનો ઐતિહાસિક ટાવર, તિલક મેદાનનું ઓપન થિયેટર અને જૂની કોર્ટની બહુમાળી ઇમારત સહિતના અનેક જાહેર માળખાંઓ અત્યારે મોતનું બાવલું બનીને ઊભા છે. અગાઉ પણ આવા જર્જરિત બાંધકામોમાંથી ગાબડાં પડવાને કારણે નિર્દોષ નાગરિકો લોહીલુહાણ થયાના કિસ્સા નોંધાઈ ચૂક્યા છે, છતાં વહીવટી તંત્ર જાગ્યા ત્યાંથી સવાર માનવાને બદલે કુંભકર્ણની નિંદ્રા માણવામાં મશગૂલ છે. આજ દિન સુધી એક પણ જોખમી માળખાને હટાવવાની કે રિપેર કરવાની તસ્દી લેવામાં આવી નથી, જે તંત્રની કથળેલી કાર્યપ્રણાલી દર્શાવે છે.
નાગરિકોની સુરક્ષા જે પાલિકાની પ્રાથમિક ફરજ હોવી જોઈએ, તેને નેવે મૂકી દેવામાં આવી છે. સ્થાનિક જનતા અને સામાજિક કાર્યકરોમાં હવે ભારે રોષ ફાટી નીકળ્યો છે અને તંત્ર સામે આક્રોશપૂર્વક સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે શું પાલિકા કોઈનો જીવ ગયા પછી જ એક્શનમાં આવશે? જનતા વતી ઉગ્ર માંગ ઉઠી છે કે ચાર રસ્તા ગેટ સહિત નગરની તમામ જર્જરિત ઇમારતોનો ત્વરિત ટેક્નિકલ સર્વે કરાવવામાં આવે. જ્યાં સુધી આ જોખમી માળખાંઓનો કાયમી નિકાલ ન થાય, ત્યાં સુધી આસપાસના વિસ્તારોમાં તાત્કાલિક બેરિકેટિંગ કરીને જનતાની અવરજવર પર પ્રતિબંધ મૂકવો અનિવાર્ય બન્યો છે.
નગરની જનતા ઇચ્છિ રહી છે કે, હવે માત્ર પોકળ આશ્વાસનોથી કામ નહીં ચાલે જે ઇમારતો મરામત યોગ્ય નથી તેને તોડી પાડવા માટે પાલિકાએ તાત્કાલિક સમયરેખા જાહેર કરવી પડશે. આ સાથે જ, અત્યાર સુધી જનતાના જીવ જોખમમાં મૂકનાર અને ફરજમાં બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં ભરી તેમની જવાબદારી નક્કી કરવામાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે. આમોદની જનતા હવે આ વહીવટી આળસ અને બેદરકારી સહન કરવાના મૂડમાં નથી. પ્રશ્ન એ જ છે કે, શું નગરપાલિકા હોનારત પહેલાં પોતાની આંખો ખોલશે કે પછી રાબેતા મુજબ અકસ્માત બાદ માત્ર વળતરની જાહેરાતો કરીને હાથ ખંખેરી લેશે?
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023