દહેજ-આમોદ વચ્ચે આશરે 300 કરોડથી વધુના ખર્ચે બની રહેલા ફોરલેન અને બ્રિજ પ્રોજેક્ટ વચ્ચે આછોદ ગામ આજે ગંભીર પાણી સંકટનો સામનો કરી રહ્યું છે. વિકાસના મોટા દાવાઓ વચ્ચે ગામના આશરે 10 હજાર લોકો છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણી માટે હાલાકી ભોગવી રહ્યા છે. નવા બની રહેલા બ્રિજની નીચેથી પસાર થતી મીઠા પાણીની મુખ્ય લાઈનમાં વારંવાર ભંગાણ સર્જાતા ગામમાં પાણીનો પૂરતો ફોર્સ મળતો નથી, જેના કારણે ભરઉનાળાની કાળઝાળ ગરમીમાં ગ્રામજનો પાણી માટે વલખાં મારી રહ્યા છે. આજે ફરી બે જગ્યાએ લાઈન ફૂટતા આક્રોશિત ગ્રામજનો સીધા કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચી ગયા હતા અને બ્રિજનું કામ સંપૂર્ણપણે અટકાવી તંત્ર સામે બગાવતનો શંખ ફૂંક્યો હતો. ઘટનાને પગલે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
ગ્રામજનોનો આક્ષેપ છે કે બ્રિજની નીચે પસાર થતી પાણીની લાઈન વારંવાર ભંગાણગ્રસ્ત બનતી હોવા છતાં માર્ગ-મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ વચ્ચેના સંકલનના અભાવે સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવી રહ્યો નથી. ગ્રામજનોના જણાવ્યા મુજબ સંબંધિત વિભાગોને અનેકવાર લેખિત રજૂઆત કરવા છતાં માત્ર કામચલાઉ રીપેરિંગ કરીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આછોદ વિકાસ મંડળના પ્રમુખ અને તાલુકા પંચાયત સભ્ય ઇકબાલ ઇસ્માઈલ પટેલએ તંત્રને ચીમકી આપતા જણાવ્યું કે, “અમે પાણીની લાઈન શિફ્ટ કરવાની રજૂઆત કરી હતી, છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. જ્યાં સુધી લાઈન શિફ્ટિંગ શરૂ નહીં થાય ત્યાં સુધી બ્રિજનું કામ ચાલવા નહીં દઈએ.” સ્થાનિક રહીશ હારૂન રશીદ પટેલએ પણ ચેતવણી આપી કે ચોમાસું શરૂ થયા પછી આગામી 8થી 10 મહિના સુધી કામગીરી શક્ય નહીં બને, જેના કારણે સમગ્ર વિસ્તાર વધુ ગંભીર પાણી સંકટમાં ધકેલાઈ શકે છે.
સ્થાનિકોના કહેવા મુજબ જો તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તો માત્ર 20થી 25 દિવસમાં સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે છે, પરંતુ તંત્રની ઢીલી અને બેદરકાર કામગીરીએ હવે લોકોનો વિશ્વાસ તોડી નાખ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે સતત લીકેજના કારણે માત્ર પાણી પુરવઠો જ નહીં પરંતુ બ્રિજના પિલરના પાયા પર પણ જોખમ ઊભું થઈ શકે છે. એક તરફ હજારો લોકો પાણી વિના ટળવળી રહ્યા છે તો બીજી તરફ 300 કરોડનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ જોખમના ભવરમાં સપડાઈ રહ્યો છે. ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવી લેખિત ખાતરી નહીં આપે અને પાણીની લાઈન શિફ્ટિંગની કામગીરી શરૂ નહીં થાય, ત્યાં સુધી બ્રિજનું કામ આગળ વધવા દેવામાં નહીં આવે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023