આમોદ તાલુકામાં રખડતા શ્વાનોનો ત્રાસ હવે અસહ્ય બનતો જઈ રહ્યો છે. ભીમપુરા અને કાંકરિયા ગામમાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓમાં માસૂમ બાળકો શ્વાનના હુમલાનો ભોગ બનતા સમગ્ર પંથકમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને બાળકો પર શેરીમાં ફરતા આક્રમક શ્વાનોએ હુમલો કરતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.
પરિવારજનો તાત્કાલિક સારવાર અર્થે બંને બાળકોને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા, જ્યાં તબીબોએ જરૂરી એન્ટિ-રેબિઝ ઇન્જેક્શન આપી સારવાર શરૂ કરી હતી. સદનસીબે હાલ બંને બાળકોની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
જોકે, એક જ દિવસે બે બાળકો શ્વાન કરડવાના ભોગ બનતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.તાજેતરના સમયમાં તાલુકાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં રખડતા શ્વાનોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે, જેના કારણે નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓમાં સતત ભયનો માહોલ છવાઈ ગયો છે. ગ્રામજનોએ તંત્ર સામે ઉગ્ર માંગણી કરતા જણાવ્યું છે કે રખડતા શ્વાનોને પકડવાની તાત્કાલિક ઝૂંબેશ હાથ ધરવામાં આવે, તેમજ નસબંધી અને રસીકરણ કાર્યક્રમને અસરકારક રીતે અમલમાં મુકવામાં આવે. લોકોનું કહેવું છે કે જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023