ભરૂચમાં ભૂ-માફિયારાજનો પર્દાફાશ? AAPએ કર્યા રાજકીય સંરક્ષણના ગંભીર દાવા! ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીના મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલએ જિલ્લાના વિવિધ વિસ્તારો, ખાસ કરીને વાગરા તાલુકામાં ચાલી રહેલી માટી અને રેતીની ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે ગંભીર આક્ષેપો કરતાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે ભૂ-માફિયાઓ ખુલ્લેઆમ કુદરતી સંપત્તિની લૂંટ ચલાવી રહ્યા છે અને સરકારને લાખો રૂપિયાનું રોયલ્ટી નુકસાન પહોંચાડી રહ્યા છે. પિયુષ પટેલે જણાવ્યું હતું કે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા મળેલી માહિતી અને નનામી પત્રોના આધારે એવી વિગતો સામે આવી છે કે ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓના આશીર્વાદ હેઠળ ભૂ-માફિયાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ રાજકીય છત્રછાયાના કારણે ખનીજ ચોરીનો ધંધો બેફામ રીતે ચાલી રહ્યો છે, જેના કારણે સરકારી આવકને મોટું નુકસાન થઈ રહ્યું છે અને પર્યાવરણ પર પણ ગંભીર અસર પડી રહી છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે કેટલીક જગ્યાએ સુજલામ સુફલામ યોજના હેઠળ ચાલતા વિકાસ કાર્યોના નામે પણ નિયમો વિરુદ્ધ મોટા પાયે માટી ઉપાડવામાં આવી રહી છે. સરકારની યોજનાઓનો આશરો લઈને ગેરરીતિપૂર્વક ખોદકામ થતું હોવાની વાત તેમણે કરી હતી. આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.
ચોમાસા પહેલા ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરો, નહીં તો ઉગ્ર આંદોલનની AAPની ચેતવણી: AAP જિલ્લા પ્રમુખે દાવો કર્યો કે ઘણા વિસ્તારોમાં ભરવામાં આવેલી રોયલ્ટી કરતાં અનેકગણી વધુ માત્રામાં માટી અને રેતી કાઢવામાં આવી રહી છે. કેટલાક કિસ્સાઓમાં એક જ રોયલ્ટી પાસનો ઉપયોગ દિવસભર અલગ-અલગ વાહનોમાં કરીને સરકારને છેતરવામાં આવતી હોવાની માહિતી પણ સામે આવી હોવાનું તેમણે જણાવ્યું. જો આ આક્ષેપો સાચા હોય તો તે ખનીજ વિભાગની દેખરેખ અને અમલવારી સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. તેમણે ચેતવણી આપી કે ચોમાસા પહેલા ગેરકાયદેસર ખોદકામ પર અંકુશ નહીં મૂકવામાં આવે તો આવનારા સમયમાં પર્યાવરણને ભારે નુકસાન થઈ શકે છે. નદીકાંઠા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં થઈ રહેલા બેફામ ખોદકામના કારણે જમીન ધોવાણ, ખેતીને નુકસાન, રસ્તાઓની હાલત બગડવાની સાથે સ્થાનિક પર્યાવરણ પર પણ ગંભીર અસર થવાની શક્યતા છે. આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા ભરૂચ ખાન અને ખનીજ વિભાગ સમક્ષ માંગ કરવામાં આવી છે કે સમગ્ર જિલ્લામાં કાયદેસર અને ગેરકાયદેસર રીતે ચાલી રહેલી તમામ માટી અને રેતીની લીઝોની તાત્કાલિક તપાસ કરવામાં આવે. જ્યાં પણ ગેરરીતિ સામે આવે ત્યાં જવાબદાર તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, ભારે દંડ વસૂલવામાં આવે તેમજ સંકળાયેલા અધિકારીઓની ભૂમિકાની પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. અંતમાં પિયુષ પટેલે સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું કે જો આગામી સમયમાં પણ ભૂ-માફિયાઓ સામે અસરકારક કાર્યવાહી નહીં થાય તો આમ આદમી પાર્ટી જનહિતમાં ઉગ્ર આંદોલન, રજૂઆતો અને વિરોધ કાર્યક્રમો શરૂ કરશે. ખનીજ ચોરીના આક્ષેપોને લઈને હવે જિલ્લાનું રાજકારણ ગરમાયું છે ત્યારે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com