વાગરા તાલુકાની દહેજ GIDC વિસ્તારમાં આવેલી રોહા ડાયકેમ કંપની સામે ગંભીર પ્રકારની બેદરકારી અને સંભવિત પ્રદૂષણ અંગેના સવાલો ઊભા થયા છે. કલર ઉત્પાદન સાથે સંકળાયેલી આ કંપની દ્વારા પર્યાવરણીય નિયમો અને સલામતીના ધોરણોને નેવે મુકવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થળ પર જોવા મળતી સ્થિતિ મુજબ કંપની સંકુલની બહાર તેમજ કંપનીના મુખ્ય ગેટથી લઈને અંદાજે 500 મીટર સુધીના મુખ્ય માર્ગ પર ભૂરા રંગનો પાવડર અથવા કલર પથરાયેલો નજરે પડે છે. માર્ગનો ફૂટપાથનો આખો હિસ્સો જાણે કોઈએ રંગી નાખ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે કંપનીની કામગીરી અને તેના દ્વારા અપનાવવામાં આવતા પ્રદૂષણ નિયંત્રણના પગલાં સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક સ્તરે ઉઠતા સવાલો વચ્ચે જ્યારે કંપનીના એચ.આર. હેડ ઉમેશ ચૌહાણનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કંપની ખાતે નિયમિત રીતે સફાઈ કામગીરી કરવામાં આવે છે. જોકે જો ખરેખર રોજિંદી ધોરણે સફાઈ થતી હોય તો કંપની બહાર અને મુખ્ય માર્ગ પર લાંબા અંતર સુધી ભૂરા રંગનું આવરણ કેવી રીતે જોવા મળે છે. તે સવાલ હજુ પણ અનુત્તર રહ્યો છે.
આ ઉપરાંત કંપનીની ચીમનીમાંથી પીળા રંગના ધુમાડા નીકળતા હોવાના મુદ્દે પણ ગંભીર ચર્ચા ચાલી રહી છે. આ બાબતે પૂછવામાં આવતા કંપનીના જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે, ચીમનીમાંથી તો ધુમાડો જ નીકળવાનો ને સાહેબ! જોકે આ નિવેદનથી વિવાદ વધુ ઘેરાયો છે. કારણ કે ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા ઉત્સર્જન માટે પર્યાવરણ વિભાગ દ્વારા ચોક્કસ ધોરણો અને નિયંત્રણો નક્કી કરવામાં આવતા હોય છે. અહીં નોંધનીય બાબત એ છે કે ચીમનીમાંથી નીકળતા પીળા ધુમાડા ઝેરી છે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી અને આ અહેવાલ પણ તેવી કોઈ પુષ્ટિ કરતો નથી. પરંતુ દૃશ્યમાન પરિસ્થિતિ અને ઉઠેલા પ્રશ્નોને ધ્યાનમાં લેતા સમગ્ર મામલો તટસ્થ અને વૈજ્ઞાનિક તપાસનો વિષય બની શકે છે. જો નિયમોનું પાલન થઈ રહ્યું હોય તો માર્ગ પર પથરાયેલો કલર અને ચીમનીમાંથી દેખાતા પીળા ધુમાડા અંગે સ્પષ્ટતા કરવી કંપની અને સંબંધિત તંત્ર બંને માટે જરૂરી બની જાય છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે દહેજ GIDC જેવી સંવેદનશીલ ઔદ્યોગિક વસાહતમાં જો આવી સ્થિતિ સર્જાય છે તો શું સંબંધિત પ્રદૂષણ નિયંત્રણ તંત્ર દ્વારા નિયમિત મોનિટરિંગ કરવામાં આવે છે? અને જો કરવામાં આવે છે તો આવી સ્થિતિ સામે કેમ આવી? સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને હકીકત જનતા સમક્ષ લાવવામાં આવે જેથી પ્રદૂષણ અને જાહેર આરોગ્ય સાથે જોડાયેલા કોઈપણ સંભવિત જોખમો અંગે સ્પષ્ટતા થઈ શકે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com