Geo Gujarat News

વાગરામાં ખનીજ માફિયાઓ બેફામ! ઓવરલોડ ડમ્પરોનો આતંક, તંત્રની રહસ્યમય ચુપ્પી સામે ઉઠ્યા સવાલો

વાગરા તાલુકામાં ફરી એકવાર માટી ખનન અને ખનીજ પરિવહનનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. દહેજથી અલાદરા વચ્ચેના માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી ઓવરલોડ માટી ભરેલા ડમ્પરો બેફામ દોડતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ચોગલે સોલ્ટ કંપનીની આગળ અલાદરા ગામની સીમમાં, વજાપરા નજીક તેમજ કડોદરા બસ સ્ટેન્ડ નજીક રોડની સાઈડમાંથી રસ્તો બનાવાયો છે. અહીંથી દિવસ-રાત માટી ભરેલા ડમ્પરોની અવરજવર થતી હોવાની ચર્ચા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આ સમગ્ર પ્રવૃત્તિ કાયદેસર હોય તો તેની જાહેર માહિતી અને પરવાનગીઓ ક્યાં છે? અને જો ગેરકાયદેસર હોય તો જવાબદાર તંત્ર હજુ સુધી હાથ પર હાથ ધરીને કેમ બેઠું છે?ખુલ્લેઆમ ચાલી રહેલી આ પ્રવૃત્તિ સામે કોઈ અસરકારક કાર્યવાહી ન થવાને કારણે લોકોમાં અનેક શંકાઓ જન્મી રહી છે. રસ્તાઓ પર બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરોના કારણે અકસ્માતનો ભય પણ સતત વધતો જઈ રહ્યો છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે માટી ખનન અને પરિવહનનો આ સમગ્ર કારોબાર કોઈના આશીર્વાદ વિના શક્ય નથી. જો ખનીજ વિભાગ, મામલતદાર કચેરી અને સ્થાનિક તંત્ર પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યું હોય તો આટલા મોટા પ્રમાણમાં માટીનું ખોદકામ અને પરિવહન તેમની નજર બહાર કેવી રીતે રહી શકે? લોકો સવાલ કરી રહ્યા છે કે શું તંત્રની આંખો બંધ છે કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે?ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા પણ વાગરા વિસ્તારમાં ખનીજ ચોરી અને ગેરકાયદેસર ખનન અને વહન મુદ્દે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. તે સમયે પણ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા હતા, પરંતુ આજદિન સુધી કોઈ મોટી અને દૃષ્ટાંતરૂપ કાર્યવાહી સામે આવી નથી. પરિણામે ખનીજ માફિયાઓના મનોબળમાં વધારો થયો હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે. સ્થાનિકોમાં એવી પણ ભારે નારાજગી જોવા મળી રહી છે કે વાગરામાં નવા મામલતદાર તરીકે વિરલ વસાવાની નિમણૂક થયા બાદ ખનીજ માફિયાઓ વધુ સક્રિય બન્યા હોવાનું લોકો અનુભવી રહ્યા છે. અનેક લોકોનો આક્ષેપ છે કે હાલના મામલતદાર ફોન ઉપાડતા નથી અને ફરિયાદો પ્રત્યે પૂરતું ધ્યાન આપતા નથી. જો આ આક્ષેપોમાં તથ્ય હોય તો તે અત્યંત ગંભીર બાબત ગણાય. કારણ કે સરકારી અધિકારીની પ્રથમ ફરજ લોકોની ફરિયાદ સાંભળવાની અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાની હોય છે.હાલની પરિસ્થિતિને જોતા જિલ્લા કલેક્ટર, ખનીજ વિભાગ, પોલીસ વિભાગ અને ઉચ્ચ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, ખનનની કાયદેસરતા ચકાસવામાં આવે અને જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદારો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉગ્ર બની રહી છે. કારણ કે જો સમયસર પગલાં નહીં લેવાય તો ખનીજ સંપત્તિની લૂંટ, માર્ગોની દુર્દશા અને જાહેર સુરક્ષાને જોખમ પહોંચાડતી આવી પ્રવૃત્તિઓ વધુ બેફામ બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.વાગરા તાલુકાના વિવિધ માર્ગો પર ઓવરલોડ માટી ભરેલા ડમ્પરોની સતત અવરજવરના કારણે ધૂળના ગોટેગોટા ઉડી રહ્યા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલાક ડમ્પરો માટેલા સાંઢની જેમ બેફામ ઝડપે દોડી રહ્યા હોવાથી અકસ્માતનો ભય પણ વધ્યો છે. ખાસ કરીને ગામડાઓ અને જાહેર માર્ગો પર ભારે વાહનોની આ દોડધામને કારણે રાહદારીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય વાહનચાલકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિકો દ્વારા તંત્રને તાત્કાલિક પગલાં લઈ ઓવરલોડ અને બેફામ દોડતા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.વાગરા તાલુકામાં ચાલી રહેલા કથિત ગેરકાયદેસર ખનન અને ઓવરલોડ ડમ્પરોના બેફામ પરિવહનને લઈને સ્થાનિકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ થઈ રહી હોય તો સંબંધિત વિભાગોની નજરમાંથી તે કેવી રીતે બચી શકે? લાંબા સમયથી ઉઠતા આક્ષેપો છતાં અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં એવી શંકા પણ વ્યક્ત થઈ રહી છે કે ખનીજ માફિયાઓને કોઈના આશીર્વાદ અથવા છત્રછાયા તો પ્રાપ્ત નથી ને? જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને હકીકતો લોકો સમક્ષ આવે તેવી માંગ ઉગ્ર બની રહી છે.સ્થાનિક સ્તરે એવી પણ વ્યાપક બૂમો ઉઠી રહી છે કે, કેટલીક જગ્યાઓએ સુજલામ સુફલામ યોજનાના નામે મોટા પ્રમાણમાં માટી ઉલેચી તેનું વ્યાવસાયિક ધોરણે વેચાણ કરવામાં આવી રહ્યું છે. જો આ આક્ષેપોમાં તથ્ય હોય તો તે માત્ર નિયમોનો ભંગ જ નહીં, પરંતુ સરકારની લોકહિતની યોજનાનો દુરુપયોગ ગણાય. પ્રજાના નાણાંથી ચાલતી યોજના વિકાસ અને જળસંચય માટે છે કે, પછી કેટલાક તત્વો માટે કમાણીનું સાધન બની રહી છે, તે અંગે સત્તાવાળાઓએ સ્પષ્ટતા કરવી જરૂરી બની છે. સ્થાનિકોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે જો સમયસર કડક તપાસ નહીં થાય તો યોજનાના નામે કુદરતી સંપત્તિની ખુલ્લેઆમ લૂંટ ચાલુ રહેશે. તેથી સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરી હકીકતો જાહેર કરવામાં આવે અને કોઈપણ દોષિત વ્યક્તિ કે તત્વને છોડ્યા વિના કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જોર પકડી રહી છે.વાગરા તાલુકામાં ખનીજ ખોદકામ અને ઓવરલોડ ડમ્પરોના પરિવહન અંગે ઉઠેલા સવાલોને ધ્યાનમાં લઈને સમગ્ર મામલે નિષ્પક્ષ અને તાત્કાલિક તપાસ કરવી સમયની માંગ બની છે. જો કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા તંત્રની બેદરકારી સામે આવે તો તેમની સામે કડક કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. સાથે જ ઓવરલોડ વાહનો પર નિયંત્રણ, ખનનની કાયદેસરતા અંગે ચકાસણી અને જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંબંધિત વિભાગોએ અસરકારક પગલાં ભરવા જરૂરી બન્યા છે. કારણ કે સમયસર કાર્યવાહી નહીં થાય તો ખનીજ સંપત્તિની લૂંટ, માર્ગોની નુકસાની અને અકસ્માતોના જોખમમાં વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકો હવે જવાબદારો સામે દૃષ્ટાંતરૂપ કાર્યવાહી અને પારદર્શક તપાસની માંગ કરી રહ્યા છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.