Geo Gujarat News

વાગરા: સોશિયલ મીડિયા વિવાદે પકડ્યો જોર, યુવા કોંગ્રેસે ફરિયાદ કરી કડક કાર્યવાહીની માંગ, પોલીસ તંત્ર પર સૌની નજર

સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીઓને લઈને નવો વિવાદ ઉભો થયો છે. યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ પટેલ ઈમ્તિયાઝ દ્વારા વાગરા પોલીસને લેખિત ફરિયાદ પાઠવી સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે ધાર્મિક લાગણીઓ દુભાય, સમાજમાં વૈમનસ્ય ફેલાય અને અશાંતિનું વાતાવરણ સર્જાય તેવી પોસ્ટો કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી તરીકે ઉલ્લેખિત વ્યક્તિ તોસિફ પાંચભાયાએ ઇન્સ્ટાગ્રામ પર એવી ટિપ્પણીઓ અને વીડિયો પ્રસારિત કર્યા હોવાનું કહેવામાં આવ્યું છે, જેને લઈને સમાજના વિવિધ વર્ગોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફરિયાદીનો દાવો છે કે, આવી પ્રવૃત્તિઓથી સામાજિક સૌહાર્દને નુકસાન પહોંચી શકે છે તેમજ અલગ-અલગ સમાજ અને ધર્મ વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાઈ શકે છે.ફરિયાદમાં વધુમાં કડક શબ્દોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોની ધાર્મિક લાગણીઓ સાથે ચેડાં કરવાનો પ્રયાસ થયો છે. અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પણ તેની અસર પડી શકે છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાવી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. યુવા કોંગ્રેસ આગેવાને પોલીસ તંત્રને સંબોધી આરોપીની તાત્કાલિક તપાસ કરી FIR નોંધવા અને કડક કાનૂની પગલાં લેવા રજૂઆત કરી છે. હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. અને હવે પોલીસ તંત્ર ફરિયાદના આધારે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની પુષ્ટિ હજુ સુધી થઈ નથી, પરંતુ રજૂઆત બાદ મામલો વધુ ગરમાયો હોવાનું જણાઈ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે આ સમગ્ર વિવાદ હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આજરોજ આ જ મુદ્દે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા પણ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ પાઠવી કથિત વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટો અને નિવેદનો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સમાજના આગેવાનોનું માનવું છે કે આવી પ્રવૃત્તિઓથી ધાર્મિક લાગણીઓ દુભાઈ શકે છે. અને સામાજિક સૌહાર્દને નુકસાન પહોંચવાની શક્યતા ઉભી થાય છે. એક જ મુદ્દે વિવિધ સંગઠનો અને સમાજના પ્રતિનિધિઓ દ્વારા રજૂઆતો થતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે અને હવે પોલીસ તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.