ભરૂચ આરટીઓ વિભાગે ડ્રાઇવિંગ લાયસન્સ પ્રક્રિયામાં આધુનિક ટેક્નોલોજીનો સમાવેશ કરતા હવે એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ અમલમાં મૂક્યો છે. નવી વ્યવસ્થાથી ટેસ્ટ પ્રક્રિયા વધુ પારદર્શક અને કડક બનતા ઉમેદવારોમાં પણ ગંભીરતા જોવા મળી રહી છે. નવી સિસ્ટમ હેઠળ ટેસ્ટ ટ્રેક પર ઉમેદવારની દરેક હરકત ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવે છે. ટેસ્ટ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કે નિર્ધારિત સમય મર્યાદાનો ભંગ થતાં જ સિસ્ટમ તરત પરિણામ જાહેર કરી દે છે. સાથે ઉમેદવારના મોબાઈલ ફોન પર મેસેજ દ્વારા માહિતી પણ મોકલવામાં આવે છે.
આ સમગ્ર પ્રક્રિયાનું નિયંત્રણ ખાસ કંટ્રોલ રૂમ મારફતે કરવામાં આવી રહ્યું છે. જ્યાંથી અધિકારીઓ લાઈવ મોનીટરીંગ કરીને કાર અને બાઈક ટેસ્ટની દરેક ગતિવિધિ પર નજર રાખે છે. સ્ક્રીન પર ઉમેદવારનો ફોટો, નામ તેમજ કયા પોઇન્ટ પર ભૂલ થઈ અને કયા કારણસર ટેસ્ટ નિષ્ફળ રહ્યો તેની માહિતી તરત જ દેખાઈ જાય છે. ટેસ્ટ શરૂ થાય તે પહેલાં અરજદારોને એલસીડી સ્ક્રીન મારફતે માર્ગદર્શક વીડિયો બતાવવામાં આવે છે જેથી તેઓ સંપૂર્ણ પ્રક્રિયા સમજી શકે. ત્યારબાદ ફોટો ચકાસણી કરીને વાહન સાથે ખાસ ટ્રેકિંગ ટેગ જોડવામાં આવે છે, જેના આધારે એઆઈ સિસ્ટમ ટેસ્ટ દરમિયાન દરેક માહિતી રેકોર્ડ કરે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર ટ્રેક પર અંદાજે 25 કેમેરા કાર્યરત છે, જેમાંથી 15થી વધુ કેમેરા એઆઈ ટેક્નોલોજીથી સજ્જ છે. નવી પદ્ધતિથી લોકોમાં યોગ્ય ડ્રાઇવિંગ કૌશલ્ય વિકસશે તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની જાગૃતિ પણ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com