Geo Gujarat News

વાગરા: બકરી ઈદને લઈ વાગરા પોલીસ મથકે શાંતિ સમિતિ બેઠક યોજાઈ, તહેવાર ભાઈચારા અને શાંતિથી ઉજવો : PI એસ.એન ગોહિલની અપીલ

વાગરા પોલીસ મથક ખાતે આગામી બકરી ઈદના પર્વને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. ગોહિલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા ઉપસ્થિત આગેવાનોને અપીલ કરવામાં આવી હતી કે વિસ્તારમાં કોઈપણ પ્રકારનું ન્યુસન્સ, ટ્રાફિક સમસ્યા, માથાભારે તત્વો દ્વારા ત્રાસ કે અન્ય કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ જણાય તો તેની તાત્કાલિક જાણ પોલીસને કરવામાં આવે.ખાસ કરીને જાહેર સ્થળો, દુકાનો કે ફળિયાઓ પાસે લુખ્ખા તત્વો ભેગા થઈને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરતા હોય તો પોલીસ તંત્રને તરત જ માહિતી આપવા સૂચના આપવામાં આવી હતી. બેઠક દરમિયાન પીઆઇ એસ.એન. ગોહિલે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે કુરબાનીની પ્રક્રિયા ખુલ્લી અને જાહેર જગ્યાઓ પર ન કરવામાં આવે તેમજ કુરબાની બાદ અવશેષોનો યોગ્ય અને સુરક્ષિત રીતે નિકાલ કરવામાં આવે જેથી કોઈપણ વ્યક્તિને અસુવિધા ન સર્જાય અને સ્વચ્છતા પણ જળવાઈ રહે.સોશિયલ મીડિયાના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને બેઠકમાં આ મુદ્દે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોઈપણ ફોટા, વીડિયો કે મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પહેલા તેની સત્યતાની ચકાસણી કરવાની અપીલ કરવામાં આવી હતી. ખોટા, ભ્રામક અથવા ઉશ્કેરણીજનક મેસેજોથી સમાજમાં ગેરસમજ અને વિવાદ ઉભા થઈ શકે હોવાનું જણાવી સૌને જવાબદારીપૂર્વક વર્તવાની સલાહ આપવામાં આવી હતી. અંતમાં બંને સમાજના આગેવાનો દ્વારા બકરી ઈદનો તહેવાર શાંતિપ્રિય અને ભાઈચારાભર્યા માહોલમાં ઉજવવાની ખાતરી આપવામાં આવી હતી તેમજ વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.