આવતી કાલે મુસ્લિમ સમાજના પવિત્ર બકરી ઈદ પર્વને ધ્યાનમાં રાખીને આમોદ પોલીસ તંત્ર દ્વારા નગરમાં ચુસ્ત બંદોબસ્ત સાથે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નગરમાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ અકબંધ રહે તે હેતુસર પોલીસ દ્વારા મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસ અધિકારીઓ અને જવાનોની ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં પગપાળા તેમજ વાહન મારફતે ફરી રહી હતી. પોલીસની સક્રિય હાજરીને કારણે નગરજનોમાં સુરક્ષાની લાગણી મજબૂત બની હતી. અને લોકોમાં વિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો.
પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના સર્જાય નહીં તે માટે તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. સાથે જ નાગરિકોને શાંતિ, એકતા અને ભાઈચારાની ભાવના સાથે બકરી ઈદનો પર્વ ઉજવવા અપીલ પણ કરવામાં આવી હતી. આમોદ પોલીસની સતર્ક કામગીરીને સ્થાનિક નાગરિકોએ પણ વખાણી હતી. ફ્લેગ માર્ચના કારણે શહેરમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાનો માહોલ વધુ મજબૂત બન્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023