Geo Gujarat News

વાગરા પંથકમાં બકરી ઈદનો પર્વ ભાઈચારા અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો, મસ્જિદોમાં ઇદની વિશેષ નમાજ અદા કરાઈ

વાગરા નગર સહિત સમગ્ર તાલુકામાં મુસ્લિમ બિરાદરોએ પવિત્ર બકરી ઈદનો તહેવાર ભારે ઉત્સાહ, ધાર્મિક ભાવના અને ભાઈચારાના માહોલ વચ્ચે ઉજવ્યો હતો. વહેલી સવારથી જ નગરની વિવિધ મસ્જિદોમાં નમાજીઓની ભારે અવરજવર જોવા મળી હતી, જ્યાં ખાસ ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. ઈબાદત બાદ મુસ્લિમ સમાજના લોકોએ એકબીજાને ઈદ મુબારક પાઠવી સૌહાર્દ અને એકતાનો સંદેશ આપ્યો હતો. ઈદની નમાજ પૂર્ણ થયા બાદ પરંપરા મુજબ કુરબાનીની વિધિ શરૂ કરવામાં આવી હતી. અનેક વિસ્તારોમાં ધાર્મિક પરંપરાનું પાલન કરી કુરબાની અદા કરવામાં આવી હતી. સમગ્ર ઉજવણી દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાગરા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત અને ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું. તેમજ પેટ્રોલિંગ દ્વારા તમામ વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે.પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે, કોઈપણ પ્રકારની શંકાસ્પદ હિલચાલ કે અનિચ્છનીય બનાવ અંગે તરત જ પોલીસને જાણ કરે જેથી સમયસર કાર્યવાહી કરી શકાય. પોલીસ અને સ્થાનિક આગેવાનોની સતર્કતાના કારણે સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે તહેવારની ઉજવણી થઈ હતી. વાગરા ઉપરાંત સલાદરા, વિલાયત, વોરાસમની, જુનેદ, પહાજ, મુલેર, ચાંચવેલ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બકરી ઈદનો પર્વ ભારે ઉમંગ અને ધાર્મિક આસ્થા સાથે ઉજવાય રહ્યો છે. ગામડાઓમાં પણ મસ્જિદોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. અને ભાઈચારા તથા શાંતિનો સુંદર સંદેશ સમગ્ર વિસ્તારમાં જોવા મળ્યો હતો. આગામી ત્રણ દિવસ સુધી બકરી ઇદની ઉજવણી કરવામાં આવશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.