અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર. એલ. રાઠોડ દ્વારા વાગરા પોલીસ સ્ટેશનના અમલદાર જોગ એક વિનંતી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં વાહનોની ગેરકાયદેસર ઉઠાંતરી અને છેતરપિંડી અંગેનો એક મોટો મામલો સામે આવ્યો છે. રાજુલાના અરજદાર બિપિનભાઈ મુળશંકરભાઈ ઓઝાએ નોંધાવેલી અરજીના આધારે રાજુલા પોલીસની ટીમે વાગરા તાલુકાના ગંધાર ગામે આવેલા મીઠાના અગરમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ત્યાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા બે ટ્રેક્ટર, એક હિટાચી મશીન અને એક હાઈવા ડમ્પર મળી કુલ ૪ કિંમતી વાહનો મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, અરજદાર બિપિનભાઈ ઓઝાએ રાજુલાના પ્રતાપભાઈ ભોળાભાઈ બાંભણિયા સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કરવા માટે પોતાની સારી સિબિલના આધારે ડાઉન પેમેન્ટ ભરીને આ વાહનો ખરીદ્યા હતા. અને પ્રતાપભાઈના ગંધાર ખાતેના મીઠાના અગરમાં મૂક્યા હતા. સને ૨૦૨૪ માં પ્રતાપભાઈનું અવસાન થતાં, તેમનો આ ધંધો તેમના કૌટુંબિક ભાઈ અશોકભાઈ મનસુખભાઈ બાંભણિયા સંભાળતા હતા. અરજદારના જણાવ્યા અનુસાર, અશોકભાઈએ વાહનોનું ભાડું આશરે 85,00,000 ચૂકવ્યું ન હતું. અને વાહનોનો કબજો પણ ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખીને છેતરપિંડી આચરી હતી.
રાજુલા પોલીસે ગંધાર ગામના મીઠાના અગર પર દરોડો પાડીને વિનુભાઈ ભુપતભાઈ બાંભણિયાના કબજામાંથી મહિન્દ્રા કંપનીના બે લાલ કલરના યુવો ૪૧૫ મોડલના ટ્રેક્ટરો અને ટાટા કંપનીનું હિટાચી મશીન (EX-130 મોડલ) અને એક ટાટા કંપનીનું હાઈવા ડમ્પર કબજે કર્યા છે. આ તમામ વાહનો પર કોઈ નંબર પ્લેટ ન હતી. સ્થળ પર હાજર વિનુભાઈ પાસે આ વાહનોના ખરીદી, ભાડા કે ભાગીદારી અંગેના કોઈ પણ કાયદેસરના દસ્તાવેજો કે પુરાવા મળી આવ્યા ન હતા. આ તપાસ દરમિયાન સામાવાળા અશોકભાઈ બાંભણિયાએ કોઈ વકીલ મારફતે રાજુલા પીઆઇ વી.એમ કોલાદરાને ફોન કરી હાઈકોર્ટના વકીલ હોવાની ઓળખ આપી ખોટી ફરિયાદ કરવાની ધમકીઓ આપી હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે. આ વાહનો સગેવગે થઈ જવાની પૂરેપૂરી શક્યતા હોવાથી, રાજુલા પોલીસે તમામ વાહનોને વાગરા પોલીસ સ્ટેશનના હસ્તગત રાખીને કાયદેસરની સ્ટેશન ડાયરીમાં નોંધ કરવા અને આગળની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
અત્રે નોંધનીય છે કે વાગરા પંથકમાં મોટા પ્રમાણમાં મીઠાના સોલ્ટ ઉદ્યોગો ધમધમી રહ્યા છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યવહારોમાં છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે. અગાઉ પણ ભાગીદારીમાં ચાલતા વેપારમાં મોટું આર્થિક કૌભાંડ બહાર આવ્યું હતું, જે અંગે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને હાલ તેની તપાસ ચાલુ છે. તેવામાં હવે ગંધાર ગામના મીઠાના અગરમાંથી કિંમતી વાહનો ઝડપાવાનો વધુ એક બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. જો મીઠાના આ કારોબારમાં ઊંડાણપૂર્વક અને તટસ્થ રીતે તપાસ હાથ ધરવામાં આવે, તો હજુ પણ અનેક ગેરરીતિઓ અને છેતરપિંડીના કિસ્સાઓ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: નકલી અંગૂઠા અને સહીઓ કરી કરોડોની લીઝ હડપનાર મુંબઈના ઉદ્યોગપતિ દંપતી સામે ફરિયાદ!
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com